
પ્રાથમિકમાંથી માધ્યમિક શાળાનું પગથિયું ચડતા પહેલા 66.13 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક સાલાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ડ્રોપ આઉટ રેશિયો વધુ છે. એટલે કે, 66.13 ટકા વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓનું પગથિયુ ચડતા જ નથી. પ્રાથમિક કક્ષાના શિક્ષણમાંથી માધ્યમિક કક્ષાની શાળાઓમાં જતા પહેલા 66.13 ટકા લોકો શિક્ષણને અલવિદા કહી દે છે. એટલે કે માધ્યમિક શાળાનું પગથિયું ચડતા પહેલા 56.35 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. શિક્ષણ સુધારણા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી આ એક ગંભીર સમસ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 2021-22ની ગુજરાત રાજ્યની સામાજિક આર્થિક સમીક્ષા વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી. જેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં આ વર્ષે પ્રાથમિક શાળાઓમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 84.65 લાખની હતી તેમાંથી માધ્યમિક શાળાએ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 28.43 લાખ થઈ હતી. એટલે કે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં જતા પૂર્વે 56.35 લાખ વિદ્યાર્થીઓ શાળા શિક્ષણ છોડી દે છે. ગરીબ હોય એટલે તેજસ્વી ન હોય તેવું માનવાને કોઈ કારણ નથી પણ કુટુંબની સ્થિતિને લીધે અથવા તો ગામોમાં ખોટી પરંપરાને લીધે દીકરી હોય કે દીકરાઓ, માધ્યમિક શાળામાં જવા તૈયાર હોતા નથી જેથી અનેક તેજસ્વી સંતાનોની કારકિર્દી અકાળે મુરઝાઈ જાય છે અને તેનાથી તેના પરિવાર, જિલ્લો કે રાજ્ય જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રને નુકસાન જાય છે. કારણ કે શૈક્ષણિક ક્ષેત્રે તેની પ્રતિભા ખીલી શકતી નથી. આ ક્ષેત્રે વર્ષોથી કોઈ કામ થયું નથી જે હવે કરવાની તાતી જરૂરિયાત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળાનું પગથિયું ચડવામાં 66 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓછા થઈ જાય છે તેની પાછળ સામાજિક અને આર્થિક બંને કારણો મુખ્ય છે. આજે પણ ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ એવી પરંપરા છે કે દીકરીઓને બહુ ભણાવતા નથી અને લગ્ન કરાવી દે છે. આથી પ્રાથમિકમાં અક્ષરજ્ઞાન મેળવી લે એટલે ઘરકામમાં દીકરીઓને જોતરવામાં આવે છે. ગરીબ કુટુંબના છોકરાઓ પોતાના ઘરના પિતા કે કાકા કે મોટા ભાઈની સાથે નાના કામમાં જોડાઈ જાય અને આર્થિક મદદ કરતા થઈ જાય છે તેઓ પ્રાથમિક સુધીનું શિક્ષણ પૂરતું ગણે છે. હજી પણ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ એવા હજારો પરિવારો છે જે માને છે કે તેમના દીકરા કે દીકરી શિક્ષણ મેળવીને કે ડિગ્રી મેળવીને કોઈ રોજગારી મેળવી શકશે નહીં એના બદલે અમારો જે પરંપરાનો જે વ્યવસાય છે તેમાં થોડું ભણાવીને જોતરી દઈએ તો તેઓ રળતા કમાતા થઈ જાય બાકી વધુ ભણીને ડિગ્રી મેળવશે તો બાવાના બેઉ બગડ્યા તેઓ હાલ થશે.