
અમંદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. છતાં ઘણા લોકો બિન્દાસ્તથી નિયમોનો ભંગ કરી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી એક વર્ષમાં પોલીસે કરફ્યુ અને જાહેરનામા ભંગ, એટલે કે કલમ 188 મુજબના 2.50 લાખ કેસ કર્યા હતા, જેમાં ત્રણ લાખથી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. જાહેરનામા ભંગના ગુનાને લોકો બહુ જ સામાન્ય ગુના તરીકે ગણે છે, પરંતુ જેમની સામે આ ગુના નોંધાયા છે તેમના પાસપોર્ટ કઢાવવાના, વિદેશ જવા તેમ જ નોકરી માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા સહિતનાં કામો અટકી જશે. આ કેસનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેમને કોઈ ક્લિયરન્સ નહિ મળે.
કોરોનાની શરૂઆત બાદ શહેરમાં લૉકડાઉન જાહેર કરાયું હતું અને થોડા સમય બાદ લૉકડાઉનમાં થોડી છૂટછાટ અપાઈ હતી. જ્યારે એક વર્ષ પછી હાલમાં પણ રાતે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જોકે લૉકડાઉન અને કરફ્યુમાં બહાર નીકળતા લોકો સામે આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી ધરપકડ કરાય છે.
રાજ્યભરમાં આજ દિન સુધીમાં પોલીસે જાહેરનામા-કરફ્યુ ભંગના અઢી લાખ જેટલા ગુના નોંધ્યા હતા, જેમાં આરોપી તરીકે 3થી સાડાત્રણ લાખથી વધુ લોકોને દર્શાવાયા છે. તેમાંથી અમદાવાદમાં 75 હજાર ગુના નોંધાવામાં આવ્યા હતા. પાસપોર્ટ માટેના ફોર્મમાં તમામ માહિતી મગાય છે, જેમાં ઘણા લોકો તેમની સામેના ગુનાની માહિતી દર્શાવતા નથી, પરંતુ પાસપોર્ટ ઓફિસ અને કમિશનર કચેરી તે વ્યક્તિનું વેરિફિકેશન કરે છે. તેમાં જો કોઈ ગુનો દાખલ થયેલો હોય અથવા પેન્ડિંગ હોય તો તેની માહિતી છુપાવવા બદલ 5 હજાર દંડ કરાય છે.
જે વ્યક્તિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાય છે તેણે કોર્ટમાં જઈને જજ સમક્ષ ગુનો કબૂલ કરવો પડે છે અને 200 રૂ દંડ ભરવો પડે છે. દંડ ભર્યા બાદ તેણે જાહેરનામા ભંગના કેસનો નિકાલ થયો હોવાનું સર્ટિફિકેટ મળે છે. પાસપોર્ટ, પીવીસી અને પીસીસી સહિતના સર્ટિફિકેટ કઢાવતી વખતે એ સર્ટિફિકેટ સાથે રજૂ કરવું પડે છે.