
નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન
નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની પત્નીને કેન્સર થયું હતું. જેમની સારવાર પાછળ કર્મચારીએ બચાવેલી પોતાની જીવન મૂડી ખર્ચી નાખી હતી.
નોઈડાના સેક્ટર-63 પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પાલની તમામ બચત પત્નીની કેન્સરની સારવારમાં ખતમ થઈ ગઈ હતી. તેની સામે એક મોટી ચિંતા ઉભી હતી કે તે તેની નાની દીકરીના લગ્ન કેવી રીતે કરાવશે? મુઝફ્ફરનગરના એક છોકરા સાથે લગ્ન નક્કી થયા છે પરંતુ પાલ પાસે દીકરીના લગ્ન કરાવવા માટે પૈસા નથી. જેથી તેમણે પોતાની ચિંતા કેટલાક પોલીસકર્મીઓ સાથે શેર કરી. પછી જે બન્યું તે માનવતા અને સહકારી સંબંધોનું વિરલ ઉદાહરણ છે.
પોતાની દીકરીના લગ્નની ચિંતામાં સરી પડેલા મહેન્દ્ર પાલની ચિંતા દૂર કરવા 110 જેટલા પોલીસકર્મીઓએ હાથ મિલાવ્યા હતા. તેઓએ પરસ્પર સહકારથી નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. માત્ર થોડા અઠવાડિયામાં પોલીસકર્મીઓ 4 લાખ રૂપિયા એકત્ર કરવામાં સફળ થયા હતા. પોલીસ કર્મચારીઓએ પુત્રીના લગ્ન માટે પાલને માત્ર પૈસા જ આપ્યાં, પરંતુ પુત્રીને નવું જીવન શરૂ કરવા માટે જરૂરી તમામ સાધનો પણ આપ્યા હતા. બે દિવસ પહેલા જ મહેન્દ્ર પાલની પુત્રીના લગ્ન થયા અને આ લગ્નમાં માત્ર પાલ જ નહીં પરંતુ તેના તમામ મદદગાર મિત્રોએ પણ પુત્રીનું દાન કર્યું હતું.
47 વર્ષીય મહેન્દ્ર પાલ સેક્ટર-63 પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર, મોપર અને ક્લીનર તરીકે કામ કરે છે. આ માટે તેને દર મહિને 6,000 રૂપિયાનો નજીવો પગાર મળે છે. આ સિવાય તે નજીકના વિસ્તારોની સફાઈ કરીને વધારાના 2,000 રૂપિયા કમાય છે. તેનો સફાઈ કામદાર પુત્ર પણ જે કમાણી કરે છે તે તેના 6 જણના પરિવારને ખવડાવવા, તેના માથા પર છતની ખાતરી કરવા અને તેની પત્નીની કેન્સરની દવાની વ્યવસ્થા કરવા માટે પૂરતું નથી.
મહેન્દ્ર પાલ કહે છે કે તેણે ચિઝરસીમાં તેના ઘર માટે 8,000 રૂપિયા ભાડા તરીકે ચૂકવવા પડશે. પાલે જણાવ્યું કે તેને બે દીકરીઓ છે, જેમાંથી સૌથી નાની આશુ છે. તેની મોટી બહેન પરિણીત છે. આ સિવાય તેમને બે પુત્રો પણ છે. સૌથી નાનો દીકરો 10મા ધોરણમાં છે. તેણે કહ્યું, ‘જ્યારથી અમે આશુના લગ્ન મુઝફ્ફરનગરમાં ઓફિસમાં કામ કરતા યુવક સાથે નક્કી કર્યા ત્યારથી હું ચિંતિત હતો. વર એક સારા પરિવારનો છે અને સાદગી સાથે લગ્ન કરવા માટે પણ સંમત છે.
(PHOTO-FILE)