Site icon Revoi.in

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરાયો

Social Share

બોટાદઃ યાત્રાધામ સાળંગપુરમાં આજે પોષી પુનમના દિને કષ્ટભંજન હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને સિલ્ક વાધા પર ફુલોની ડિઝાઈન તેમજ હીરા જડિત મુંગટ પહેરાવાયો હતો. આજે સવારથી દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે તા.13 જાન્યુઆરીને પૂનમ નિમિત્તે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ કરી હતી.

દાદાને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યા અને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો. વિશેષ શણગારમાં સિલ્કના વાઘા પર ફૂલની ડિઝાઈન અને જરદોશી વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની યજ્ઞશાળામાં ધનુર્માસ નિમિત્તે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ દરરોજ સવારે 7થી 12 અને સાંજે 3થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં પૂજન, અર્ચન અને આરતી સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.