સુરત, 2 ફેબ્રુઆરી 2026: શહેરમાં રાતના સમયે નબીરાઓ પૂરફાટ ઝડપે વાહનો દોડાવીને રેસ લગાવતા હોય છે. આવા નબીરાઓને પોલીસનો પણ ડર લાગતો નથી. અને રોડ પર વાહનો તેજ ગતિથી દોડાવીને ભય ફેલાવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ બન્યો છે. શહેરના પોશ ગણાતા મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત મોડી રાત્રે એક માલેતુજાર પરિવારના નબીરાએ પૂરપાટ ઝડપે લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા રોડ પર ઉભેલા વાહનોના ફુરચા બોલાવી દીધા હતા. આ સાથે ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત મોડી રાત્રે એક માલેતુજાર પરિવારના નબીરાએ મહિન્દ્રા BE 6 (ઇલેક્ટ્રિક લક્ઝરી કાર) પૂરફાટ ઝડપે દોડાવીને 5 વાહનોને અડફેટે લીધા હતા.કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને બેકાબૂ કારે રોડ પર પાર્ક કરેલી 3 કારને જોરદાર ટક્કર મારી હતી. સાથે સ્કૂટર અને બાઈકને પણ ઉડાવ્યા હતા. સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી અને વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. અકસ્માત સર્જનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકે થઈ છે, જે પોતે પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરવામાં આવી રહી છે. જોકે ઘટનાના થોડા જ સમયમાં મામલો થાળે પાડવા અને નબીરાને બચાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.
આ બનાવની જાણ થતા જ ડુમસ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. શું ચાલક નશાની હાલતમાં હતો? શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત થયો કે પછી ઓવરસ્પીડિંગ જવાબદાર છે? આ તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.

