Site icon Revoi.in

સુરતમાં નબીરાઓએ રાતે લકઝરી કારોમાં રેસ લગાવીને આતશબાજી કરી, 4ની ધરપકડ

Social Share

સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રાતના સમયે નબીરાઓએ બે ઓડી, એક રેન્જરોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી.  એક યુવકે કારના સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. અને વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં રિલ મુકી હતી.આ વીડિયો પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય યુવકની ધરપકડ કરી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચાર મોંઘી કાર પણ જપ્ત કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગઈ તા. 27 ઓક્ટોબરની રાતે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો સૈયદ ફેઝાન વાજિદ (ઉં.વ.24), મોહમ્મદ મન્સૂર ખાંડા (ઉં.વ.19), અમાર અફરોઝ મેમણ (ઉં.વ.20) અને મારૂફ ઈલિયાઝ ફનીવાલા (ઉં.વ.18) અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયાં હતાં. જમીને ત્યાંથી પરત ફર્યા બાદ નબીરાઓએ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતશબાજી કરી હતી. એક યુવકે સનરૂફ ખોલીને તેમાંથી શરીરનો અડધો ભાગ બહાર કાઢી ચાલુ કારે ફટકડા ફોડ્યા હતાં. આ સ્ટંટ માત્ર તેમના પોતાના માટે જ નહીં, પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાં મૂકે તેવો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં, આ બેફામ કૃત્યનો વીડિયો વાઇરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વીડિયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ચારેય યુવકની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસમાં આ યુવકો વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યુ છે.

અડાજણ પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો. કાયદાનું કડક પાલન થાય અને આવા જોખમી કૃત્યો કરનારા અન્ય યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી, આ યુવકો દ્વારા સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલી ચારેય લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં, ચારેય યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ જ ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા અને તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પકડાયા બાદ, આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માગી છે.