1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળવું વઢવાણને ભારે પડ્યું, ટેક્સમાં તોતિંગ વધારો કરાતા અસંતોષ
સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળવું વઢવાણને ભારે પડ્યું, ટેક્સમાં તોતિંગ વધારો કરાતા અસંતોષ

સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળવું વઢવાણને ભારે પડ્યું, ટેક્સમાં તોતિંગ વધારો કરાતા અસંતોષ

0
Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકાને સુરેન્દ્રનગર નગરપાલિકા સાથે મર્જ કરાયા બાદ વઢવાણમાં કોર્મશિયલ અને રહેણાંકના ટેક્સમાં તોતિંગ વધારો કરવામાં આવતા લોકોમાં અસંતોષ ઊભો થયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ આ 2 જોડિયા શહેરો છે. અગાઉ બંને શહેરોની પાલિકા અલગ અલગ હતી. જેમાં પ્રમાણમાં નાની હોય વઢવાણ નગરપાલિકા બી ગ્રેડની હતી. જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા એ ગ્રેડની હતી. હવે બંને પાલિકા એક કરીને સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા જાહેર કરી દેવાઈ છે. ત્યારે વઢવાણ પાલિકા સુરેન્દ્રનગરમાં ભળતા વઢવાણમાં રહેતા અંદાજે 5500થી વધુ કોમર્શિયલ મિલકત ધારકોના ટેક્સમાં 84 ટકા જેટલો વધારો થઇ ગયો છે. સાથે સાથે રહેણાક મકાનોમાં 26 ટકા ટેક્સ વધી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે તાજેતરમાં સુરેન્દ્રનગર અને વઢવાણ આ બંને નગરપાલિકાને એક કરીને સંયુકતપાલિકાનો દરજજો આપ્યો છે. ત્યાર બાદ સંયુકત પાલિકાની યોજાયેલી પહેલી ચૂંટણીમાં કુલ 13 વોર્ડના 52 સદસ્યમાંથી પાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ 49 સદસ્ય ભાજપના ચૂંટાઇ આવ્યા હતા. વર્તમાન સમયે ભાજપની બોડી સંયુકત પાલિકાનું સંચાલન કરી રહી છે. શહેરના વિકાસના કામો કરવા માટે પાલિકાએ હાઉસ ટેક્સની રિકવરી વધુ કડક કરીને બાકીદારોને નોટિસો ફટકારવાની કામગીરી ચાલુ કરી દીધી છે. વઢવાણના વિસ્તારના લોકોમાં વધેલા ટેક્સને લઇને વિરોધ સાથે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે નગરપાલિકાએ ફટકારેલા બિલમાં ટેક્સની રકમમાં મોટો વધારો થઇને આવ્યો છે. વઢવાણ પાલિકા જ્યારે બી ગ્રેડની હતી ત્યારે કોમર્શિયલ ટેક્સ ચોમીના રૂ.10.64 હતો અને રહેણાકનો ટેક્સ ચોમીના રૂ.7.07 હતો. હાલના સમયે વઢવાણ એ ગ્રેડની પાલિકા સુરેન્દ્રનગરમાં આવી જતા કોમર્શિયલ બિલ્ડિંગનો ટેક્સ વધીને રૂ.19.48 થઇ ગયો છે. રહેણાક વિસ્તારનો ટેક્સ જે રૂ.7.07 હતો તે વધીને રૂ.8.87 થઇ ગયો છે. વઢવાણમાં કુલ 5500થી વધુ કોમર્શિયલ મિલકત અને 21550 જેટલી રહેણાકની મિલકતો  નગરપાલિકાના ચોપડે નોંધાયેલી છે. એ ગ્રેડમાં આવતા વઢવાણની મિલકતના વેરામાં કોમર્શિયલમાં 84 ટકા જ્યારે રહેણાકમાં 26 ટકાનો વધારો થઇ ગયો છે. સંયુકત પાલિકામાં જોડાતા વઢવાણની દોઢ લાખની જનતાને માથે પાછલા બારણેથી વધેલા ટેક્ષને લઇને દેકારો મચી ગયો છે. કેટલાક લોકોએ આ બાબતે વિરોધ કરીને રજૂઆતો પણ કરી છે. વઢવાણના નાના ઉદ્યોગકારો કહી રહ્યા છે કે, જીઆઇડીસી વિસ્તાર વઢવાણમાં આવતો હતો ત્યારે અમારે જે ટેક્સ આવતો હતો. તેમાં અત્યારે મોટો વધારો થઇ ગયો છે. જે કોમર્શિયલ મિલકતનો ટેક્સ વર્ષે 50 હજાર જેટલો આવતો હતો તે અત્યારે 1.50 લાખ જેટલો થઇ ગયો છે. ઉદ્યોગકારો માથે ટેક્સનું ભારણ વધી ગયું છે. પરંતુ સગવડતામાં કાંઇ વધારો થાય તેમ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code