1. Home
  2. ગુજરાતી
  3. ભાવનગરના બોર તળાવમાં નર્મદાના નીરના વધામણા, તળાવ છલોછલ ભરાયું
ભાવનગરના બોર તળાવમાં નર્મદાના નીરના વધામણા, તળાવ છલોછલ ભરાયું

ભાવનગરના બોર તળાવમાં નર્મદાના નીરના વધામણા, તળાવ છલોછલ ભરાયું

0
Social Share

ભાવનગરઃ ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભાવનગરમાં વિવિધ 5300  કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સૌની યોજના થકી ધોળા વીકળીયાથી બોર તળાવ સીદસર સુધી ભૂગર્ભ પાણીની લાઈન 146 કરોડ રૂપિયાના ખર્ચે નાંખવામાં આવી છે. જેનું કામ પૂર્ણ થતાં આજે બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરી દેવામાં આવ્યું હતું, જેનાથી બોરતળાવની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

નર્મદા નવા નીરથી ભાવનગરના  બોરતળાવને છલોછલ ભરવામાં આવ્યું છે, 53 કિલોમીટરની ભૂગર્ભ પાણીની લાઈનથી મ્યુનિ. કોર્પોરેશનને આવનારા સમયમાં દસ કરોડ રૂપિયાનો સીધો જ ફાયદો પહોંચશે, ભાવેણાવાસીઓ માટે પણ આવનારા દિવસોમાં પાણીની જટિલ સમસ્યા પર પુર્ણવિરામ લાગી જશે, હાલ બોરતળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. બોરતળાવને સુશોભિત કરી લાઇટ ડેકોરેશનથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આજે વિધિવત રીતે નર્મદાના નવા નીરના વધામણા કરી પૂજા કરી હતી તેમજ ભાવનગરના મહારાજા ને પણ યાદ કરી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા તેમજ ભાવનગર કલેકટર, કમિશનર, સહિત ભાજપનાં કોર્પોરેટર તેમજ યુવા મોરચાના પ્રમુખ અને બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદાનાં નીરને ફૂલહારથી વધાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code