નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: આગામી શનિવારથી નવી દિલ્હી ખાતે શરૂ થઈ રહેલી 18મી બ્રિક્સ (BRICS) શિખર સમિટ પૂર્વે શુક્રવારે યોજાયેલા બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને અત્યંત ઉથલપાથલ અને અનિશ્ચિતતાવાળી ગણાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ રાજકીય અને આર્થિક સ્તરે મોટા પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અસ્થિરતા અને જટિલતા રોજિંદી બાબત બની ગઈ છે.
બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સમારોહમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણે એવા સમયમાં મળી રહ્યા છીએ જ્યારે વૈશ્વિક રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં વ્યાપક સ્તરે ફેરફારો થઈ રહ્યા છે. આપણી આસપાસની દુનિયામાં અનિશ્ચિતતા અને જટિલતા સામાન્ય બની ગઈ છે, અને આપણે ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક મહામારીઓ તથા આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન આર્થિક માહોલમાં એક તરફ જ્યાં જોખમો વધ્યા છે, તો બીજી તરફ ડિજિટાઇઝેશન અને આધુનિક તકનીકી પ્રગતિને કારણે વિકાસ અને ઉત્પાદકતા માટે નવી તકોના દ્વાર પણ ખુલ્યા છે. ટેક્નોલોજી હંમેશાં અર્થશાસ્ત્ર અને ભૂ-રાજનીતિ સાથે ગાઢ રીતે જોડાયેલી રહી છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફિનટેક અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો ભવિષ્યના વિશાળ અવસરો પૂરા પાડે છે, પરંતુ સાથે સાથે તે સુરક્ષા, ધોરણો અને ભરોસા જેવા કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલો પણ ઉભા કરે છે.
-
ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો
વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની આગેવાની હેઠળ બ્રિક્સ જૂથમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં સભ્ય દેશોના સ્ટાર્ટઅપ્સ અને ઇન્ક્યુબેટર્સને પરસ્પર જોડવા માટે ‘બ્રિક્સ ઇન્ક્યુબેટર નેટવર્ક’ તેમજ ઇનોવેશન આધારિત સાહસોને પ્રોત્સાહન આપવા માટે ‘બ્રિક્સ સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડ’ની પહેલ સામેલ છે.


