1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આપણા મલકમાં માયાળું માનવી…ગાંધીનગરમાં કલ્ચર ફોરમના ગરબામાં ખેલૈયા મન મુકીને મહાલ્યા
આપણા મલકમાં માયાળું માનવી…ગાંધીનગરમાં કલ્ચર ફોરમના ગરબામાં ખેલૈયા મન મુકીને મહાલ્યા

આપણા મલકમાં માયાળું માનવી…ગાંધીનગરમાં કલ્ચર ફોરમના ગરબામાં ખેલૈયા મન મુકીને મહાલ્યા

0
Social Share

ગાંધીનગરઃ  કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રી-2022 માં પહેલા નોરતાથી જ ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબે ઘૂમ્યા હતા. કોરોનાકાળના બે વર્ષ પછી ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાતો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉલ્લાસ અને ઉમંગભર્યા આયોજનમાં સેન્ટ્રલ વિસ્ટા પાસેના જી.સી.એફ. ગ્રાઉન્ડમાં દિવ્ય અને ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીવામાંથી આણેલી જ્યોતનું ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવ્યુ છે. છેલ્લા 34 વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સ્વયંસેવકો પહેલા નોરતે અંબાજી જઈને માતાજીની દિવ્ય જ્યોત ગાંધીનગર લાવ્યા હતા. પહેલા નોરતે સાંજે અંબાજીથી પધારેલી દિવ્ય જ્યોતનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.  વાજતે ગાજતે જ્યોતિ સ્વરૂપ માં જગદંબાનું ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહા, ઉપાધ્યક્ષ પ્રકાશ લાલા અને અન્ય મહાનુભાવોએ દિવ્ય જ્યોતનું સ્વાગત કર્યું હતું. સમગ્ર નવરાત્રી દરમિયાન આ દિવ્યજ્યોત ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણાંમાં અખંડ પ્રજવલિત રહેશે.

પહેલા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,  ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના અધ્યક્ષ  રુચિર ભટ્ટ, પૂર્વ સનદી અધિકારી અને વરિષ્ઠ લેખક-સાહિત્યકાર વી.એસ. ગઢવીએ માં જગદંબાની આરતી ઉતારી હતી. ગાંધીનગર કલ્ચર ફોરમના આંગણામાં જામ ખંભાળિયાના આંબાવાડી (ઇન્ટરનેશનલ) કલાવૃંદના કલાકારોએ માથે બેડાં, દીપમાળા અને માતાજીની માંડવડી લઈને ગરબા કર્યા હતા. સમતુલા, સ્થિરતા અને એકાગ્રતાની પરાકાષ્ઠાસમા આ અજોડ, અણમોલ અને બેનમૂન નર્તને ગાંધીનગરના નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 52 બેડા માથે લઈને બહેનોએ ગરબા કર્યા હતા. ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની પરંપરા અનુસાર શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામો આપવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code