
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો એવું કહેવાય છે કે, ચૂંટણીમાં માઈક્રો મેનેજમેન્ટને કારણે જ ભાજપ ચૂંટણીમાં જીત મેળતો હોય છે. મધ્યપ્રદેશમાં પેઈજ પ્રમુખની ફોર્મ્યુલાને સફળતા મળ્યા બાદ આ ફોર્મ્યુલાનો ગુજરાત ભાજપ દ્વારા પણ અમલ શરૂ કરાયો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષની પેજ પ્રમુખની ફોર્મ્યુલાને ફેલાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યો હતો. હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુ બેઠકો મેળવવા પાટીલે પેજ-પ્રમુખ ફોર્મ્યુલા ધારાસભ્યો સુધી પહોંચાડી પેજ-પ્રમુખ અને પેજ સમિતિ બનાવવાના આદેશો કર્યા હતા. એની સાથે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં પણ પાટીલની ફોર્મ્યુલાની ચર્ચા કરી એને આગળ વધારવા કેટલાંક સૂચનો અને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ભાજપમાં સફળ નીવડેલી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા આગામી વિધાનસભાની ચૂંટણીમાં અપનાવી જીત મેળવવાનો સી.આર.પાટીલનો આ સૌથી મોટો ચૂંટણીદાવ હશે, જેને લઈને ભાજપના ધારાસભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં પેજ સમિતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ ગુજરાતભરમાં ભાજપમાં 80 ટકા પેજ સમિતિનું કામ થયું છે, જે આગામી બે મહિનામાં એ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠકમાં પણ સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત પાછળ પણ પાટીલની પેજ-પ્રમુખથી માંડીને પેજ સમિતિ સુધીની ફોર્મ્યુલા જ કારગત નીવડી હોવાની ચર્ચા થઈ હતી. પ્રમુખ પાટીલે પણ પેજ સમિતિ સુધીની સંગઠનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા પ્રદેશના નેતાઓ પણ કામે લાગી જાય એવું નક્કી કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આમઆદમી પાર્ટીના ઉમેદવારો સાથે ભાજપના ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની હોવાથી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા પર પ્રદેશ-પ્રમુખ આગળ વધી રહ્યા છે, જેઓ મતદારોને બૂથ પર લઇ જઇને કાર્યકરો ભાજપની તરફેણમાં મતદાન કરાવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે પેજ- પ્રમુખ અને પેજ સમિતિઓનો દાવ ખેલ્યો હતો. પ્રદેશ-પ્રમુખનો દાવો છે કે પેજ સમિતિને કારણે ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે, જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ-પ્રમુખ અને પેજ સમિતિનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સફળતા મળી હતી, જેથી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ-પ્રમુખની ગણતરી નેતાઓની બેઠકો, પ્રચાર સભાઓ કરતાં પેજ-પ્રમુખો પર વધુ ધ્યાન આપી ગ્રાસ રૂટ લેવલનું નેટવર્ક તૈયાર કરવાની છે.
રાજ્યમાં ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહિત પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન જબરદસ્ત ચૂંટણીપ્રચાર જામ્યો હતો. જોકે આ પ્રચાર જંગ વચ્ચે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખને પત્ર લખ્યો હતો. આમ, તેમણે એ સમયે પત્રના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં પેજ-પ્રમુખોને સંબોધોની લખ્યું હતું કે પેજ-પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન-ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે, જેના દ્વારા ઘર ઘરના સભ્યો, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થાય છે.