હિંમતનગર, 29 મે, 2026 : Mob attacks family claiming woman is a witch આજે કમ્પ્યુટર અને એઆઈ ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાને લીધે હુમલાના બનાવો બની રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામેથી અંધશ્રદ્ધા અને માનવતાને શરમાવતો બનાવ બન્યો છે. ગાડી ગામે પડોશીમાં રહેતી પરણિત મહિલા ડાકણ છે તેવો વહેમ અને અંધશ્રદ્ધા પ્રેરિત માનસિકતા રાખીને એક જ પરિવારના 12 જેટલા હિંસક મહિલા પુરુષોએ એક નિર્દોષ પરિવાર પર કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં મહિલાના પતિ મનુભાઈ રામજીભાઈ ડામોરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના બે પુત્રો પિતાને બચાવવા જતાં ગંભીર રીતે ઘાયલ થયા છે. અને હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કરીને 4 મહિલા સહિત 12 આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વિજયનગરના ચિઠોડા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા ગાડી ગામમાં ગત તા.19/05/26ની રાત્રીના નવેક વાગ્યે ખૂની ખેલ ખેલાયો હતો. ગામમાં રહેતા વાલજીભાઈ સલુજી ડામોર, જીગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર અને રોહિતભાઈ કાંતિભાઈ ડામોર સહિત કુલ 12 જેટલા મહિલા-પુરુષોના ટોળાએ કાવતરાના ભાગરૂપે મનુભાઈ ડામોરના ઘરને નિશાન બનાવ્યું હતું. હિંસક ટોળું હાથમાં તીક્ષ્ણ કુહાડીઓ અને લાકડીઓ લઈને મનુભાઈના ઘરે ધસી આવ્યું હતું અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યું હતું કે, મનુની પત્ની કમળાબેન ડાકણ છે, આજે તો એને જાનથી મારી જ નાખવી છે. આ સાંભળીને પરિવાર હેબતાઈ ગયો હતો અને કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું હતું.
આ લોહિયાળ સંઘર્ષમાં જ્યારે મનુભાઈના પુત્ર જિતેન્દ્રભાઈ વચ્ચે પડ્યા, ત્યારે વાલજીભાઈ સળુભાઈ ડામોરે તેમના માથાના ભાગે કુહાડીનો જોરદાર ફટકો મારી દીધો હતો, જેના કારણે જિતેન્દ્રભાઈ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા. એટલાથી પણ હુમલાખોરોનો જીવ ન ધરાતા, ટોળામાં સામેલ સંગીતાબેન નગજીભાઈ ડામોર,અરૂણાબેન વાલજીભાઈ ડામોર, શારદાબેન કાન્તીભાઈ ડામોર, સીતાબેન હીરાજી ડામોર ચારેય જણાએ મનુભાઈ ડામોરને પકડી લીધા હતા અને ઘરમાંથી ઘસડીને ખેતર તરફ લઈ ગયા હતા. ત્યાં જીગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર, રોહિતભાઈ કાંતિભાઈ ડામોર અને હીરાજી સળુજી ડામોરે મનુભાઈના માથાના ભાગે કુહાડીઓ અને લાકડીઓના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા.
આ ક્રૂર હુમલામાં મનુભાઈનું માથું ફાટી જતાં જીવલેણ ઈજાઓની સ્થિતિમાં સારવાર અર્થે ખસેડયા હતા. તા.26/05/26ના રોજ રાત્રે સાડા આઠેક વાગ્યે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે 12 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

