
આવકવેરા વિભાગના દરોડાઃ કેમિકલ-રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ પાસેથી રૂ. 100 કરોડની કરચોરી ઝડપાઈ
અમદાવાદઃ આવકવેરા વિભાગે કેમિકલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન ગુજરાતની આ કંપની પાસેથી રૂ. 100 કરોડથી વધારેનું કાળુ નાણુ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. આવકવેરાના દરોડામાં કાળા નાણાની રકમમાં હજુ વધારો થવાની શકયતા છે. આઈટીની તપાસમાં કંપનીના કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાં હતા. જે જપ્ત કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત રૂ. 3.50 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગે કેમિકલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીના લગભગ 20 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડના સરીગામ, સિલવાસા અને મુંબઈમાં સ્થિત 20થી વધુ સ્થળો ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી હતી. દરોડામાં મોટા પ્રમાણમાં બેહિસાબી આવક અને સંપત્તિમાં તેમના ઈન્વેસ્ટમેન્ટને દર્શાવતા દસ્તાવેજ, હિસાબો, સહિતના વાંધાજનક પુરાવા મળી આવ્યા હતા.
પુરાવા પરથી જાણવા મળ્યું કે, કંપની દ્વારા વિવિધ રીતે ઓછી આવક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરોડામાં 16 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમજ 2.5 કરોડની રોકડ અને એક કરોડની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થિર મિલકતોના ટ્રાન્ઝેકશનના ભાગ રૂપે કંપનીએ બિનહિસાબી નાણા મેળવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં કંપની પાસેથી રૂ. 100 કરોડનું કાળુ નાણું ઝડપાયું હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના અંતે કંપની પાસેથી કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.