
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉન બાદ જનજીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. મેગા સિટી અમદાવાદમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા તેની અસર વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. માર્ગો ઉપર વાહનોની અવર-જવર અને ઉદ્યોગોને કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ શહેરને હવાના પ્રદુષણની સાથે તાપમાનની માહિતી શહેરીજનોને મળી રહે તે માટે ઠેર-ઠેર લાખોના ખર્ચે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. અનેક સ્થળો ઉપર હવાનું પ્રદુષણ અને તાપમાન દર્શાવતા એલઈડી બંધ હાલતમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એર ક્વોલેટી ઈન્ડેક્ષમાં જો 0-થી 100 સુધી એર ઈન્ડેક્ષ હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવુ માની શકાય, પરંતુ 100થી ઉપર એર ઈન્ડેક્ષ વધુ નોંધાય તો હવામાં પ્રદુષણનુ પ્રમાણ વધી જાય છે અને 200થી વધારે એર ઈન્ડેક્ષ નોંધાય તો હવામાં પ્રદુષણનો ખતરો વધી રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 286એ પહોંચ્યો છે. જે દિલ્હી અને પુનાના એર ક્વોલિટી ઇન્ડેક્સ કરતા પણ વધારે છે. શહેરના રાયખડમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 308 જેટલો નોંધાયો હતો. આમ શહેરમાં સૌથી પ્રદુષિત વિસ્તાર રાયખડ હોવાનું માનવામાં આવે છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધવામાં આવે છે. અમદાવાદ શહેરમાં હવાનું પ્રદુષણ વધતા શ્વાસની બીમારીથી પીડિતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
શહેરમાં મનપા અને હવામાન વિભાગ દ્વારા એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિસ્તારમાં એલઈડી લગાવવામાં આવ્યાં હતા. જેથી શહેરીજનો તાપમાન અને પ્રદુષણ વિશે જાણી શકે. જો કે, શહેરના કેટલાક વિસ્તારમાં આવી એલઈડી બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે.