1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની ધારણા છે. જેમાં તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળી અને કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. મગફળીની આવક આશરે રોજીંદી પંદર હજાર ગુણી અને કપાસની પાંચ હજાર મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે નવી આવકની સાથે ભાવ પણ સડસડાટ નીચે ઉતરવા લાગ્યા છે. અઠવાડિયાથી વરાપ છે એટલે હવે ખેડૂતો આગોતરા વાવણીની મગફળી અને કપાસ તૈયાર કરીને યાર્ડમાં લાવવા માંડ્યા છે.

રાજકોટ બેડી યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ નવા કપાસનો ભાવ પાછલા વર્ષ કરતા મણે રૂ. 1 હજાર જેટલો ઉંચો મળે છે એટલે ખેડૂતો તૈયાર થતાવેંત કપાસનો પાક બજારમાં ઠાલવવા લાગ્યા છે. આગોતરા કપાસ વાવ્યા હતા તેમનો માલ તૈયાર થઇ ગયો છે અને પાકની સ્થિતિ સારી રહેતા વેચવાલી છે. સૌરાષ્ટ્રમાં  યાર્ડમાં સરેરાશ પાંચેક હજાર મણ કપાસ ઠલવાયો હતો અને કપાસનો ભાવ સરેરાશ રૂ. 2000-2600 સુધી ગુણવત્તા પ્રમાણે ચાલે છે. ગયા વર્ષે આ સમયે મણે રૂ.1022-1460નો ભાવ ચાલતો હતો. નવી આવકો સપ્ટેમ્બરના અંત સુધીમાં પચાસ હજાર મણ સુધી પહોંચી જવાની ગણતરી છે ત્યારે ભાવ તૂટવા લાગશે. જોકે હાલ તો સ્ટોકની પાઇપલાઇન ખાલી છે એટલે કપાસની માગ સારી છે. કપાસના નવા માલમાં ભેજનું પ્રમાણ 25 ટકા સુધી હોય છે એટલે ચુનંદા મિલો જ ખરીદે છે. કપાસની ખરીદી કરી રહેલા વેપારીઓના મતે કપાસનું વાવેતર આ વર્ષે સારું રહ્યું છે. પાકમાં રોગ-જિવાત કે ઇયળોનો ઉપદ્રવ નથી એટલે ખેડૂતોને રાહત છે. જોકે ઘણા વિસ્તારોમાં હવે છેલ્લાં વરસાદની જરુરિયાત છે. વરસાદ વિના ખેડૂતો પાણ આપવા લાગ્યા છે. આગોતરા કપાસમાં હાલ કોઇ સમસ્યા નથી. નવા કપાસમાં સહેલાઇથી ખેડૂતોને હાલ રૂ. 2 હજાર ઉપરના ભાવ મળશે. કપાસની આવકનો આરંભ જ થયો છે ત્યાં રૂના ભાવ તૂટવા લાગ્યા છે. સંકર રૂનો ભાવ ખાંડીએ રૂ. 89500-90500ની સપાટીએ સોમવારે હતો. જે એક સપ્તાહ પૂર્વે રૂ. 96500-97500 હતો. સાત હજાર રૂપિયાનો કડાકો બોલી ગયો છે.’

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મગફળીનું વાવેતર આ વર્ષે 10-12 ટકા ઘટ્યું છે પણ વાતાવરણ સારું રહેવાને લીધે ઉત્પાદન ગયા વર્ષની સપાટીએ જળવાઇ રહે તેવી સંભાવના છે. મગફળીના પાકના અંદાજો હજુ બહાર આવ્યા નથી પણ ઉત્પાદન મજબૂત રહેશે. મગફળીના પાકમાં એકાદ વરસાદ મળી જાય તો લાભ થાય એમ છે. નવી મગફળીના ભાવ સૌરાષ્ટ્રમાં રૂ. 1100-1300 વચ્ચે ચાલે છે. ગયા વર્ષની તુલનાએ રૂ. 50-75 જેટલા નીચાં બોલાય છે. સપ્ટેમ્બરના અંતે ચોમાસાની વિદાય થઇ ચૂકી હશે એટલે એ દરમિયાન હવે કેટલો વરસાદ પડે છે તે ખરીફ પાકોના ઉત્પાદનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. જોકે ઓક્ટોબરના આરંભે પરિસ્થિતિ સ્પષ્ટ થઇ ચૂકી હશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code