Site icon Revoi.in

ગાંધીનગરમાં U N મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં એક મહિનામાં OPD અને ઈન્ડોર પેશન્ટમાં વધારો

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું લોકાર્પણ 27 મે ના રોજ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર કાર્યરત થયાના એક મહિનામાં ગાંધીનગર અને આસપાસના દર્દીઓને કાર્ડિયાક અને ન્યુરો સંબંધિત સારવારમાં સરળતા મળી રહી છે. આ સેન્ટરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કેથલેબની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર સેન્ટરની શરૂઆત કર્યેના એક મહિનામાં કાર્ડિયાક અને ન્યુરો કેર સેન્ટરમાં કુલ 1,410 ઓ.પી.ડી.ના દર્દીઓની (OPD) અને 77 ઇન્ડોર દર્દી (દાખલ થયેલ) (IPD) તરીકે સારવાર આપવામાં આવી છે.

ગાંધીનગર સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલી કેથલેબ સુવિધા અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ઇન્ટરવેન્શનલ ટેકનિકથી સજ્જ છે. જે સંસ્થાને અદ્યતન નિદાન અને ઇન્ટરવેશનલ પ્રોસીજર્સ કરવા સક્ષમ બનાવે છે. કેથલેબે પહેલાથી જ તેની ક્ષમતાઓ મુજબ કામગીરી કરી છે. જેમાં ત્રણ દર્દીઓની એન્જીયોગ્રાફી પ્રોસીજર્સ કરવામાં આવી છે. જેમાંથી એક દર્દીની બલૂન એન્જીયોપ્લાસ્ટી (POBA) કરવામાં આવી હતી.

કેથલેબ સુવિધાનો પ્રારંભ એ યુ. એન. મહેતા સંસ્થા, ગાંધીનગરની ગુજરાતમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની કાર્ડિયાક અને ન્યુરો કેર સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. સંસ્થાનું મિશન વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડવાનું છે. કેથ લેબ સુવિધા ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓને અદ્યતન કાર્ડિયાક અને ન્યુરો કેર સેવાઓની સુલભતા પૂરી પાડશે. આનાથી માત્ર દર્દીઓના પરિણામોમાં સુધારો થશે નહીં પરંતુ દર્દીઓ અને તેમના પરિવારોના જીવનની ગુણવત્તામાં પણ વધારો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે કાર્ડિયોલોજી ક્ષેત્રે સારવાર, સંશોધન અને તાલીમમાં અગ્રેસર છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આ સંસ્થાએ શ્રેષ્ઠતાના ધોરણો સ્થાપ્યા છે અને પેશન્ટ-સેન્ટ્રિક અપ્રોચના માધ્યમથી સતત નવીનતાનું પ્રતિનિધિત્વ કર્યું છે.