
ભારતઃ ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ પાકિસ્તાન સહિતના દુનિયાના અનેક દેશો ફુડ ક્રાઈસિસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે ઘરેલુ આપૂર્તિ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન ચાલુ વર્ષે દેશમાં 112 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનની આશા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ રહેશે. FCIના અધ્યક્ષ અશોક મીણાએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદને કારણે ઘઉંના ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી. કમોસમી વરસાદ બાદ પણ આ વર્ષે ઘઉંના કુલ ઉત્પાદનનો રેકોર્ડ 112 મિલિયન ટન રહેશે. કૃષિ મંત્રાલયના આકલન અનુસાર સરકારે વર્ષ 2023-24 માટે ઘઉંના ઉત્પાદનનો રેકોર્ડ 112.18 મિલિયન ટન રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. અશોક મીણા જણાવે છે કે, સરકારે ઘઉંની ખરીદી શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશમાં લગભગ 10,727 ટન ઘઉંની ખરીદી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરવામાં આવી છે. ભારતીય ખાદ્ય નિગમે વર્ષ 2023-24માં પંજાબ પાસેથી 13.2 મિલિયન ટન, હરિયાણા પાસેથી 7.5 મિલિયન ટન અને મધ્યપ્રદેશ પાસેથી 8 મિલિયન ટન ઘઉં ખરીદવાનો લક્ષ્ય રાખ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના અનેક દેશો ફુડ ક્રાઈસિસનો સામનો કરી રહ્યાં છે, દુનિયામાં સૌથી વધારે ઘઉંની નિકાસ યુક્રેન અને રશિયા કરે છે, પરંતુ બંને દેશ વચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે જેથી દુનિયાના વિવિધ દેશો ઘઉંની આયાતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.