નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. યજમાન દેશ તરીકે ભારતીય બોક્સિંગ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.
ભારતના કુલ 15 બોક્સર્સ ફાઇનલ મેચમાં પ્રવેશ્યા છે, જેમાં 8 મહિલા અને 7 પુરુષોનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના ફાઇનલમાં પહોંચનારા કોઈપણ દેશ દ્વારા બોક્સર્સની આ સૌથી મોટી સંખ્યા છે, જે ભારતીય બોક્સિંગની વધતી તાકાત દર્શાવે છે.
15 ફાઇનલિસ્ટ સાથે ભારતે અત્યાર સુધીમાં કુલ 20 મેડલ (ફાઇનલમાં પહોંચેલા 15 અને સેમિફાઇનલમાં હારનાર 5 બોક્સર્સને બ્રોન્ઝ) મેળવવાની ખાતરી આપી છે. આવતીકાલે ફાઇનલ મેચો રમાશે, જેમાં ભારતીય બોક્સર્સ ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. સમગ્ર દેશને આ બોક્સિંગ ચેમ્પિયન્સ પાસેથી ગોલ્ડ મેડલની આશા છે.

