
ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે આજે મધ્ય એશિયાના પાંચ દેશો તઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કીર્ગિઝસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના કુલ 100 સભ્યોના પ્રતિનિધિ મંડળે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ ગુજરાતમાં મધ્ય એશિયાના પ્રતિનિધિ મંડળનું સ્વાગત-અભિનંદન કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશો વચ્ચે શાંતિ, સુમેળ, ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. મધ્ય એશિયાના દેશો ભારતની પ્રાચીન સંસ્કૃતિ, વારસો, પરંપરા, એકતા, શિક્ષણ પદ્ધતિ અને આતિથ્યભાવથી પરિચિત થાય તે માટે વડાપ્રધાનશ્રીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે. ભારતે ક્યારેય કોઈ ભૂખંડ ઉપર આક્રમણ કર્યું નથી પરંતુ તેની સાથે હંમેશા ભાઈચારો, શાંતિ, એકતા સ્થાપિત કરવા માટે જ પ્રયાસો કર્યા છે.
ભારતે વિશ્વને અલગ નહીં પણ ‘વસુધૈવ કુટુંબકમ્‘ એટલે કે એક જ પરિવાર માન્યો છે. અમે એકબીજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખીના ભાવમાં માનનારા લોકો છીએ. રાજ્યપાલએ કહ્યું હતું કે, ભારતનો મૂળ આદિગ્રંથ- આરાધ્ય ‘વેદ‘ છે. વેદમાં ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના પ્રાણી માત્રના કલ્યાણની કલ્પના કરી છે, આ અમારી સંસ્કૃતિનો આદિકાળથી મંત્ર રહ્યો છે. વિશ્વના લોકો એકબીજાને એવી રીતે પ્રેમ કરે જેવી રીતે ગાય માતા પોતાના નવજાત વાછરડાને પ્રેમ કરે છે. ભારતનું શરૂઆતથી જ ગોળા-બારુદનું નહીં પણ શાંતિનું-ભાઈ ચારાનું જ વલણ રહ્યું છે અને તો જ વિશ્વમાં સાચા અર્થમાં શાંતિ- સમૃદ્ધિ સ્થાપશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા મધ્ય એશિયાના પ્રતિનિધિ મંડળના સભ્યોએ તેમના ગુજરાતમાં તા. 7 થી 9 માર્ચના પ્રવાસ દરમિયાન NFSU, IIM, SAC, સાબરમતી આશ્રમ,અરવિંદ મિલ અને ગાંધીનગર ખાતે દાંડી કુટિરની મુલાકાત કરીને ગુજરાત અને ભારતના આતિથ્યથી પ્રભાવિત થઈને આ પ્રસંગે પોતાના સુખદ અનુભવો શેર કર્યા હતા.