નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર 2026: રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે ભારત યુદ્ધના ભવિષ્યના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પોતાની ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર તથા ભવિષ્યલક્ષી સંરક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાનો છે. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે નોંધ્યું હતું કે દેશ માત્ર ટેક્નોલોજીની આયાત કરવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યો, પરંતુ સ્વદેશી રીતે સંરક્ષણ ટેક્નોલોજી વિકસાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યો છે.
રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે ભવિષ્યના યુદ્ધો ટેકનોલોજી-આધારિત હશે અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ધરાવતા રાષ્ટ્રો યુદ્ધના મેદાનમાં ચડિયાતું સ્થાન ધરાવશે. તેથી, ભારત એવી સંરક્ષણ રણનીતિ ઘડી રહ્યું છે જે વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના પડકારો બંનેને પહોંચી વળવા માટે શસ્ત્રોના વિકાસને સક્ષમ બનાવે. રાજનાથ સિંહે નોંધ્યું હતું કે આધુનિક યુદ્ધ હવે માત્ર સશસ્ત્ર દળો કે શસ્ત્રસરંજામ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે ‘મલ્ટી-ડોમેન’ (બહુ-આયામી) બની ગયું છે.
રક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં રક્ષણ બજેટ અને દેશની રક્ષણ ક્ષમતાઓ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે 1.39 લાખ કરોડના રક્ષણ બજેટમાંથી આશરે ૭૫ ટકા રકમ સ્થાનિક રક્ષણ ઉદ્યોગ પાસેથી ખરીદી કરવા માટે ફાળવવામાં આવી છે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત ન તો યુદ્ધ ઈચ્છે છે અને ન તો કોઈ દેશના પ્રદેશ પર કબજો કરવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શાંતિ અને નબળાઈ વચ્ચે તફાવત છે. ભારત શાંતિનો પક્ષધર છે, પરંતુ પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.
વધુ વાંચો: પૂરના પાણીમાં રીલ બનાવવી પડી ભારે, બાલેશ્વરમાં 3 યુવકો તેજ પ્રવાહમાં તણાયા


