ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના સાબરમતી ખાતે 1,500 કરોડથી વધુના મૂલ્યના રેલ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું તેમજ તેનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે તેમણે સાબરમતી સ્ટેશન પરથી દેશની પ્રથમ LNG-સંચાલિત ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી હતી.
આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતીય રેલવેમાં નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે. અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે રેલવેનો વાર્ષિક ડીઝલ વપરાશ 293કરોડ લીટરથી ઘટીને 108 કરોડ લીટર થયો છે અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રેલવેના વિદ્યુતીકરણની ગતિ વર્ષ 2010-11માં વાર્ષિક માત્ર 75કિલોમીટરથી વધીને હવે વાર્ષિક આશરે 7188 કિલોમીટર સુધી પહોંચી છે અને વિદ્યુતીકરણનું 99.6 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ગૃહમંત્રીએ આધુનિક રેલ માળખાગત સુવિધાઓમાં ભારતની ઝડપી પ્રગતિ પર ભાર મૂક્યો, જેમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ, સમર્પિત માલવાહક કોરિડોર અને ‘કવચ’ જેવી અદ્યતન સ્વદેશી સુરક્ષા પ્રણાલીઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન, લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ અને સ્વચાલિત સિગ્નલિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ સ્વદેશી ‘કવચ’ સુરક્ષા પ્રણાલીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: ભારત મજબૂત અને આત્મનિર્ભર ડિફેન્સ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે: રાજનાથ સિંહ


