Homerevoinewsનિરમા યુનિવર્સિટીમાં બનેલી ઘટનાથી શું શીખવાનું? શિક્ષકનું સન્માન નહીં જાળવો તો શિક્ષણની...

નિરમા યુનિવર્સિટીમાં બનેલી ઘટનાથી શું શીખવાનું? શિક્ષકનું સન્માન નહીં જાળવો તો શિક્ષણની ગરિમા ક્યાં રહેશે?

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર

થોડા દિવસ પહેલાં નિરમા યુનિવર્સિટીમાં બનેલી એક ઘટનાએ ફરી એક વખત શિક્ષણ જગતને વિચારવા માટે મજબૂર કર્યું છે. સ્ટેન્ડ-અપ કોમેડીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમની વચ્ચે બ્રેક દરમિયાન યુનિવર્સિટીના એક પ્રોફેસરે કંઈક કહેવાની ઇચ્છા વ્યક્ત કરી. તેઓ મોબાઇલમાં જરૂરી માહિતી શોધી રહ્યા હતા. થોડી વાર લાગી. એટલી વાર પણ રાહ જોવાનું ધૈર્ય ન રાખી શકનાર ઓડિયન્સમાં બેઠેલા એક વિદ્યાર્થીએ અયોગ્ય કોમેન્ટ કરી.

સોશિયલ મીડિયાના કારણે આ ઘટના બહાર આવી અને ચર્ચાનો વિષય બની. પરંતુ પ્રશ્ન માત્ર આ એક વિદ્યાર્થીની અયોગ્ય કોમેન્ટનો નથી. પ્રશ્ન એ છે કે આજે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કઈ દિશામાં જઈ રહ્યો છે? સ્કૂલ અને કોલેજોમાં આવી ઘટનાઓ જુદા જુદા સ્વરૂપે બનતી રહે છે. ક્યાંક શિક્ષકનું જાહેરમાં અપમાન થાય છે, ક્યાંક તેમની વાતની મજાક ઉડાવવામાં આવે છે, ક્યાંક શિક્ષકને વિદ્યાર્થીની દુશ્મની વહોરવી પડે છે અને ક્યાંક પોતાની જ લાગણીને ગળી જઈને ચૂપ રહેવું પડે છે. શિક્ષક ચૂપ રહે છે એટલે તેને દુઃખ થતું નથી એવું નથી. શિક્ષક પણ માણસ છે. તેને પણ સ્વાભિમાન છે, લાગણી છે અને આત્મસન્માન છે. સૌથી મોટી વાત એ છે કે તે જે વિદ્યાર્થીઓ સામે ઊભો છે તેમના ભવિષ્ય માટે તે પોતાની જિંદગીનો મોટો હિસ્સો ખર્ચી રહ્યો છે.

એક શિક્ષક માત્ર પુસ્તકમાંથી પાઠ વાંચીને વર્ગખંડમાંથી બહાર નીકળી જતા નથી. તે પોતાના સમગ્ર જીવનનો અનુભવ, જ્ઞાન, વિચાર અને સંસ્કાર લઈને વિદ્યાર્થી સામે ઊભા થાય છે. તેને અંદરથી એક આશા હોય છે કે હું જે કહી રહ્યો છું તેમાંથી કદાચ આ બાળકના જીવનમાં કંઈક સારું સર્જાશે. જ્યારે શિક્ષકને સન્માન મળે છે ત્યારે તેની અંદરની સર્જનાત્મકતા ખીલી ઊઠે છે.

તે પુસ્તકની બહાર જઈને સમજાવે છે. નવા પ્રયોગો કરે છે. પોતાની રીતે ઉદાહરણો આપે છે. વિદ્યાર્થીને વધારાનો સમય આપે છે. વિદ્યાર્થીને માત્ર પરીક્ષા પાસ કરાવવા નહીં, પરંતુ જીવનમાં આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે શિક્ષકને સતત એવો ભય રહે કે હું કંઈક વધારે કરીશ તો વિદ્યાર્થી કે વાલી તેને ખોટી રીતે લેશે, મારી સામે ફરિયાદ થશે, સોશિયલ મીડિયા પર વાત જશે અથવા મારા પર જ આંગળી ઉઠશે, ત્યારે ધીમે ધીમે શિક્ષક પોતાની જાતને મર્યાદિત કરી નાખે છે. તે પછી શિક્ષક ભણાવશે, પરંતુ ભણાવવા ખાતર ભણાવશે. તેને ખબર હશે કે આ વાત બીજી રીતે સમજાવું તો વિદ્યાર્થીને વધુ સારી રીતે સમજાશે. પરંતુ તે નહીં કરે. તેને ખબર હશે કે આ વિદ્યાર્થીને થોડું વધારે માર્ગદર્શન આપું તો કદાચ તેના જીવનમાં મોટો ફેરફાર આવી શકે. પરંતુ તે પણ નહીં કરે. કારણ કે તેના મનમાં એક વિચાર આવી જશે કે “મારે શા માટે વધારે પડતું કરવું?” વિદ્યાર્થીને ભણવું હશે તો ભણશે. નહીં ભણે તો તેના નસીબ. અને અહીંથી શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો શરૂ થાય છે.

આપણી પરંપરામાં ગુરુનું સ્થાન એટલા માટે ઊંચું હતું કે ગુરુને માત્ર વિષય ભણાવનાર વ્યક્તિ માનવામાં આવતા નહોતા. ગુરુ એટલે માર્ગદર્શક. ગુરુ એટલે જીવન ઘડનાર વ્યક્તિ. મહાભારતનો એક પ્રસંગ આ બાબતમાં ખૂબ મોટો સંદેશ આપે છે.

ભીષ્મ પિતામહ પોતાના પૌત્રો કૌરવો અને પાંડવો ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને મળવા માટે ગયા હતા. ગુરુ દ્રોણાચાર્યએ તે સમયે મળવાની મનાઈ કરી. ભીષ્મ પિતામહ જેવા મહાન પુરુષે પણ એ વાતનો અહંકાર કર્યો નહીં કે “હું ભીષ્મ છું, મારા પૌત્રોને ભણાવનાર ગુરુ મને મળવાની ના કેવી રીતે પાડી શકે?” તેમણે ગુરુની આજ્ઞા સ્વીકારી અને પાછા ફર્યા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન વ્યક્તિ કરતાં મોટું હતું.

આજે આપણે બાળકોને પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા આપીએ છીએ, પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપીએ છીએ, શિક્ષક સાથે ચર્ચા કરવાની સ્વતંત્રતા આપીએ છીએ. આ બધું આવકાર્ય છે. પરંતુ એક વાત ભૂલવી ન જોઈએ કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ સૂક્ષ્મ તફાવત છે. શિક્ષકને પ્રશ્ન કરવો એ શિક્ષણ છે. શિક્ષક સાથે અસહમત થવું એ પણ શિક્ષણ છે. શિક્ષકની ભૂલ બતાવવી એ પણ યોગ્ય છે. પરંતુ શિક્ષકનું અપમાન કરવું એ સ્વતંત્રતા નથી.

આજે વિદ્યાર્થીઓ ઘણી વખત કોઈ બાબત પર વિચાર કરતાં પહેલાં જ રિએક્ટ કરી દે છે. મોબાઇલ હાથમાં છે એટલે કોઈ ઘટના તરત રેકોર્ડ થાય છે, તરત શેર થાય છે અને તરત સોશિયલ મીડિયા પર પહોંચી જાય છે. પરંતુ વિદ્યાર્થીએ એક ક્ષણ માટે વિચારવું જોઈએ કે “જે વ્યવહાર હું આજે મારા શિક્ષક સાથે કરું છું, એ જ શિક્ષક જ્યાં સુધી હું આ શાળામાં કે કોલેજમાં ભણીશ ત્યાં સુધી મારી સાથે કોઈને કોઈ રીતે વ્યવહાર કરવાના છે. જો હું તેમનું સન્માન નહીં કરું તો આવતીકાલે મારા માટે તે સંબંધ કેવો રહેશે?” આ સવાલ ખૂબ મહત્ત્વનો છે.

નિરમા યુનિવર્સિટીની ઘટનામાં એક સારી વાત એ પણ હતી કે તે પ્રોફેસરે પોતાનો ગુસ્સો ત્યાં જ વ્યક્ત કર્યો. તેમણે જે અનુભવ્યું તે તરત કહી દીધું. પરિણામે ત્યાં હાજર બીજા વિદ્યાર્થીઓને પણ એક સંદેશ મળ્યો કે શિક્ષકનું અપમાન કરવું સામાન્ય બાબત નથી. પરંતુ દરેક શિક્ષક આવું કરી શકે તે જરૂરી નથી. ઘણા શિક્ષકો ગુસ્સો ગળી જાય છે. તેઓ બહારથી કંઈ કહેતા નથી, પરંતુ અંદરથી દુઃખી થાય છે. કેટલાક મનમાં વાત રાખી લે છે. કેટલાક વિદ્યાર્થીથી અંતર રાખવા લાગે છે. અને ક્યારેક આ જ દબાયેલો ગુસ્સો પછી વિદ્યાર્થી સાથેના વ્યવહારમાં કોઈને કોઈ રીતે બહાર આવે છે. એ પરિસ્થિતિ બંને માટે નુકસાનકારક છે.

વિદ્યાર્થીને પણ એ સમજવું જોઈએ કે શિક્ષકને અપમાનિત કરીને તે કોઈ જીત મેળવી રહ્યો નથી. અંતે નુકસાન તેના પોતાના શિક્ષણનું જ છે. એક બીજી બાબત પણ અહીં વિચારવા જેવી છે. નિરમા યુનિવર્સિટીમાં સ્ટેન્ડ-અપ કોમેડીનો કાર્યક્રમ શા માટે યોજાયો હતો? વિદ્યાર્થીઓને ભણતરના તણાવમાંથી થોડા સમય માટે બહાર લાવવા, હસાવવા, આનંદ કરાવવા અને માનસિક રીતે હળવા કરવા માટે. તે કાર્યક્રમમાં પ્રોફેસર પણ સક્રિય રીતે જોડાયા હતા. એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઓછું થાય, વાતાવરણ હળવું બને, બંને એકબીજાને અલગ રીતે ઓળખે—એ જ તો હેતુ હતો. પરંતુ આવી ઘટના પછી કોઈ શિક્ષકના મનમાં જો એવો વિચાર આવેશે કે “હવે વધારે પડતું શું કામ કરવું? વિદ્યાર્થીને ભણવું હશે તો ભણશે. મારે કેટલા ટકા?”

તો આપણે સમજવું જોઈએ કે નુકસાન માત્ર એક શિક્ષકનું નથી. નુકસાન આખી શિક્ષણ વ્યવસ્થાનું છે. કારણ કે સારા શિક્ષક માત્ર પગાર માટે ભણાવતા નથી. તે પોતાની અંદરનો શ્રેષ્ઠ ભાગ વિદ્યાર્થીને આપવા માંગે છે. એટલે શિક્ષકને માત્ર જવાબદારી આપવી પૂરતી નથી. તેને સન્માન પણ આપવું પડશે. શિક્ષકનું સાચું સન્માન કોઈ એક દિવસની ઉજવણીથી થતું નથી. તે રોજિંદા વ્યવહારમાં દેખાવું જોઈએ.

વિદ્યાર્થીના જીવનમાં કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે તે પોતાના શિક્ષકને ઘરે બોલાવે, તેમના આશીર્વાદ લે, તેમનું સન્માન કરે. તો આવા પ્રસંગો શિક્ષકના હૃદયને સ્પર્શી જાય છે. વિદ્યાર્થીઓ ભેગા થઈને પોતાના શિક્ષક માટે નાનું સન્માન કે મેળાપ ગોઠવે, તેમની સાથે વાત કરે, તેમને કહે કે “સર, તમે અમને આ શીખવ્યું અને તેનો અમને જીવનમાં ફાયદો થયો”. તો શિક્ષકને જે સંતોષ મળે છે તે કોઈ પગારથી મળી શકે નહીં. જ્યારે શિક્ષકને લાગે કે મારી મહેનત કોઈ જોઈ રહ્યું છે, કોઈ તેની કિંમત સમજે છે, ત્યારે તે વધુ ઉત્સાહથી ભણાવે છે. ત્યારે શિક્ષક માત્ર કર્મચારી રહેતા નથી. તે ફરીથી ગુરુ બની જાય છે. આપણી શિક્ષણ પરંપરાએ ગુરુને એટલું ઊંચું સ્થાન શા માટે આપ્યું હતું તેનું કારણ હવે સમજવાની જરૂર છે. સમાજના ભવિષ્યનું સર્જન વર્ગખંડમાં થાય છે. અને તે વર્ગખંડમાં ઊભેલા શિક્ષક માત્ર એક વિષય નથી ભણાવતા—તે વિચારવાની રીત શીખવે છે, સંસ્કાર આપે છે અને વ્યક્તિ ઘડે છે.

આથી આજે જરૂર છે કે આપણે વિદ્યાર્થીઓને તેમના અધિકારો સાથે તેમની જવાબદારી પણ શીખવીએ.

વાલીઓએ પણ દરેક ફરિયાદમાં તરત બાળકની બાજુ લેવાને બદલે એક વખત શિક્ષકની વાત સાંભળવી જોઈએ. બાળક ખોટું હોય તો તેને સમજાવવું જોઈએ કે શિક્ષકની સામે ઊભા થવું એ બહાદુરી નથી. અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને માત્ર શિસ્તના ડરથી નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસથી જોડવાના પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષણ ડરથી નહીં, સન્માનથી શ્રેષ્ઠ બને છે. વિદ્યાર્થીનો સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. પરંતુ એટલું જ જરૂરી છે કે શિક્ષકનું સન્માન પણ જળવાઈ રહે. કારણ કે જ્યારે શિક્ષક પોતાને સુરક્ષિત, સન્માનિત અને સ્વતંત્ર અનુભવે છે ત્યારે જ તે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે ભણાવી શકે છે. આપણે શિક્ષક પાસેથી શ્રેષ્ઠ શિક્ષણની અપેક્ષા રાખીએ છીએ. તો પછી શિક્ષકને પણ શ્રેષ્ઠ વાતાવરણ આપવાની જવાબદારી આપણી છે. શિક્ષકનું સન્માન એટલે માત્ર એક વ્યક્તિનું સન્માન નહીં—પરંતુ આવતી પેઢીના ભવિષ્યનું સન્માન. અને જો આપણે ખરેખર સારો સમાજ બનાવવો હોય તો શિક્ષકને ફરીથી એ સ્થાન આપવું પડશે, જ્યાં તે નિર્ભય બનીને કહી શકે કે “હું જે જાણું છું તેમાંથી શ્રેષ્ઠ મારી પાસે નથી રાખવાનું; મારા વિદ્યાર્થીને આપી દેવાનું છે.” એ દિવસથી સાચા અર્થમાં શિક્ષણની શરૂઆત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular