
ભારતઃ આઠ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 8.30 કરોડ ટનનો વધારો નોંધાયો
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક અસરકારક પગલા ભરવામાં આવ્યાં છે. જેના કારણે પશુપાલકોની આવકમાં પણ વધારો થયો છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આઠ વર્ષમાં 8.20 કરોડ ટનનો વધારો થયાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2013-14માં દૂધનું ઉત્પાદન 138 મિલિયન ટન હતું, જે 2021-22માં વધીને 220 મિલિયન ટન થયું છે. આ સિદ્ધિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડેરી ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો મહિલા સશક્તિકરણને પણ વેગ આપશે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ડેરી અને પશુપાલન ક્ષેત્રે છેલ્લા આઠ વર્ષમાં લીધેલા ફેરફારો અને નીતિગત નિર્ણયોને કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારે આ ક્ષેત્ર માટે જંગી બજેટ ફાળવ્યું, જ્યારે અગાઉની સરકારોએ તેની ઉપેક્ષા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે દેશભરમાં પ્રાણીઓમાં પગ અને મોઢાના રોગ માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે અગાઉ અમુક પસંદગીના રાજ્યો અને જિલ્લાઓમાં રોગ નિયંત્રણ કાર્યક્રમ તરીકે રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું, પરંતુ હવે સમગ્ર દેશમાં રોગ નાબૂદી કાર્યક્રમ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખેડૂતો-પશુપાલકોની આકવ વધે તે દિશામાં વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતો-પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.