Homeગુજરાતીદેશ-વિદેશરશિયા-યુક્રેન યુદ્ધ અટકાવામાં સક્રિય ભુમિકા ભજવવાની ભારતે દર્શાવી તૈયારીઓ

રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવામાં સક્રિય ભુમિકા ભજવવાની ભારતે દર્શાવી તૈયારીઓ

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધને સમાપ્ત કરવા માટે હવે ભારતે સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનની સત્તાવાર મુલાકાત દરમિયાન મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, જો જરૂર પડશે તો ભારત બંને દેશો વચ્ચે મધ્યસ્થા કરવા અથવા યુદ્ધ રોકવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કીવમાં પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રી જયશંકરે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવનારું આ નિવેદન આપ્યું હતું.

મીડિયા અહેવાલ મુજબ, યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા સાથેની સંયુક્ત બેઠક દરમિયાન એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારત કોઈ પણ પ્રકારે આ કટોકટી ઉકેલવામાં કે સહયોગ કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે તેમ હોય, તો દેશ હંમેશા તૈયાર છે. આ બેઠક દરમિયાન ખાસ કરીને ‘બ્લેક સી’ ક્ષેત્રમાં કોમર્શિયલ શિપિંગ (વેપારી જહાજો) પર થઈ રહેલા હુમલાઓ અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

  • દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ યુક્રેનની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા ઉપરાંત પોલેન્ડના ઉપ વડાપ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે પણ દ્વિપક્ષીય બેઠકો યોજી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો તેમજ વર્તમાન ક્ષેત્રીય ઘટનાક્રમ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. ખાસ કરીને તાજેતરના સમયમાં બ્લેક સી વિસ્તારમાં રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને કારણે કેટલાક ભારતીય નાવિકોના મોત થયા હતા અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, જે સંદર્ભે આ મુલાકાત અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  • યુદ્ધમાં અત્યાર સુધીમાં થઈ ચૂકી છે મોટી જાનહાનિ

ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલી આ ભીષણ લડાઈને કારણે અત્યાર સુધીમાં લાખો સૈનિકો અને નાગરિકો ભોગ બની ચૂક્યા છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અહેવાલ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 20 લાખ જેટલા સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. માત્ર રશિયન સેનાના હતાહત થયેલા સૈનિકોનો આંકડો 12 લાખ સુધી પહોંચી ગયો છે, જેમાં 5 લાખથી વધુ સૈનિકોના મોત થયા હોવાનું મનાય છે. યુક્રેન તરફથી આ આંકડો 5 થી 6 લાખ સૈનિકોનો છે, જેમાં 1 થી દોઢ લાખ સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલ અનુસાર, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૬ હજારથી વધુ નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે ૪૬,૫૦૦ કરતા વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ભીષણ તારાજી વચ્ચે ભારતની આ શાંતિ પહેલ વૈશ્વિક રાજકારણમાં એક નવો મોડ આપી શકે છે, કારણ કે ભારત શરૂઆતથી જ યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ વાતચીત અને કૂટનીતિના માર્ગે વિવાદ ઉકેલવા પર ભાર મૂકતો રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular