
ભારતઃ મુદ્રો લોન યોજના હેઠળ આઠ વર્ષમાં 40 કરોડ લોકોને રૂ. 23.2 લાખ કરોડની લોન અપાઈ
નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ દેશની જનતાને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. યુવાનો, મહિલાઓને પગભર બનાવવા અને નાના-વેપારીઓને વ્યવસાય માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષ પહેલા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રો લોન યોજના હેઠળ 40 કરોડથી વધારે લોકોને રૂ. 23.2 લાખની લોન આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ થયાને આઠ વર્ષ થઈ ગયા છે. કેન્દ્રની મોદી સરકારે 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર દેશમાં ઉદ્યોગસાહસિકતા એટલે કે સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં આઠ વર્ષમાં, સરકારે PM મુદ્રા લોન હેઠળ 40 કરોડથી વધુ લોકોને 23.2 લાખ કરોડની રકમનું વિતરણ કર્યું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, પોતાનો વ્યવસાય શરૂ કરનારા લોકોને ત્રણ શ્રેણીમાં લોન આપવામાં આવે છે. પ્રથમ શ્રેણી અંતર્ગત લોકોને 50,000 રૂપિયાની ગેરંટી ફ્રી લોન મળે છે. બીજી કેટેગરી હેઠળ 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્રીજી શ્રેણી અનુસાર 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 40.82 કરોડ લોકો દ્વારા આપવામાં આવેલી કુલ લોનમાંથી 33.54 કરોડ લોન પ્રથમ શ્રેણીની છે. બીજી શ્રેણી હેઠળના 5.89 કરોડ લોકોને અને ત્રીજી શ્રેણી હેઠળના 81 લાખ લોકોને લોન આપવામાં આવી છે.
કેન્દ્રની મોદી સરકારે પીએમ મુદ્રા યોજના શરૂ કરી હતી જેથી કરીને આ હેઠળ દેશના યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ ગેરેંટી વિના કોલેટરલ ફ્રી લોન મેળવી શકે. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળી છે. આ યોજના હેઠળ, સરકારે 24 માર્ચ, 2023 સુધી આપવામાં આવેલી કુલ લોનના 21 ટકા નવા વ્યવસાયોને આપી છે. તે જ સમયે, આ લોનમાંથી 69 ટકા મહિલા ઉદ્યોગ સાહસિકો અને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને આપવામાં આવી છે.