ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે
- ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી સાથે IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે
ગાંધીનગર, 30 ડિસેમ્બર, 2025 – Indian AI Research Organization ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે. ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે કરી છે.
આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
શું છે IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ અને ગુજરાતને શું લાભ થશે?
ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. એટલું જ નહિ આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે.
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ IAIRO માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને 2025-26ના વર્ષ માટે 25 કરોડનું યોગદાન આપવાનું છે આ IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી કંપનીઓ સહિત 23 જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતની આ પહેલ ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા એ.આઈ. મિશન તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના એ.આઈ. એક્શન પ્લાનના ઉદ્દેશ્યોને સુસંગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓથી લાખો લોકોના જીવનને વધુ સરળ બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ગતિ વેગવાન બનાવવા રાજ્ય સરકારે AI ટાસ્કફોર્સની રચના પણ કરેલી છે. એ દિશામાં આગળ વધતા હવે IAIROને AI માટે મલ્ટી ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે.
IAIROની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટસ અને સોલ્યુશન્સના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ક્રિએશન, કેપેસિટી બિલ્ડીંગ તથા પોલીસી બેઝ્ડ રિસર્ચ પર પણ IAIRO ફોકસ કરશે. IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ કાર્ય કરશે, તેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન પણ કરાશે.


