ભારતીય સૈન્ય દ્વારા ભુજમાં નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ તથા પરિવાર સાથે મિલન સમારંભ યોજાયો
ભુજ, જાન્યુઆરી, 2026: Indian Army ભારતીય સેનાના આદર્શો અને સમય-સન્માનિત પરંપરાઓને જાળવી રાખતા, 18 જાન્યુઆરી, 2026ને રવિવારે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ‘બાલ્ડ ઈગલ બ્રિગેડ’ દ્વારા એક વિશાળ ‘વેટરન્સ આઉટરીચ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર કચ્છ જિલ્લાના વેટરન્સ (નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ), વીર નારીઓ, વિધવાઓ અને તેમના પરિવારો સુધી પહોંચવાનો હતો.
આ કાર્યક્રમ દ્વારા પેન્શન અને દસ્તાવેજો લગતી સમસ્યાઓ, મેડિકલ ચિંતાઓના નિવારણ તેમજ ડિફેન્સ ફોર્સિસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સ્કીમો હેઠળ મળતા હક્કો અને બેનિફિટ્સ વિશે અવેરનેસ ફેલાવવા માટે એક ડેડિકેટેડ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.
મિલન સમારંભનો ઉદ્દેશ
સર્વગ્રાહી અને પ્રજાલક્ષી અભિગમ અપનાવતા આ મિલન સમારંભમાં ભુજ અને કચ્છ જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાંથી 1,000 થી વધુ વેટરન્સ, વિધવાઓ, વીર નારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. આદર અને સંભાળના પ્રતીક રૂપે લાભાર્થીઓને મેડિકલ સાધનો તથા આવશ્યક ઉપયોગી ચીજો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સૈનિક બોર્ડ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, કોમન સર્વિસ સેન્ટર્સ, બેંકો, ઈ.સી.એચ.એસ. (ECHS), સ્પર્શ (SPARSH), નમન (NAMAN) કેન્દ્ર, આર્મી રિક્રૂટિંગ ઓફિસ અને પેન્શન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ સહાય અને ફરિયાદ નિવારણ માટે વિશેષ સુવિધા કાઉન્ટર્સ ઊભા કરવામાં આવ્યા હતા.
જાગૃતિ વધારવાના હેતુથી અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઈમ્સ અને ઓનલાઈન છેતરપિંડી, ઈ.સી.એચ.એસ. (ECHS) પોલિસીઓ અને વિવિધ એજન્સીઓ દ્વારા ઓફર કરવામાં આવતી નવી કલ્યાણ યોજનાઓ પર માહિતી આપવામાં આવી હતી.

ફિલ્ડ હોસ્પિટલ અને એમ.એચ. (MH), ભુજ દ્વારા આયોજિત મલ્ટી-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પમાં મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સ, ઓપ્થેલ્મોલોજિસ્ટ્સ, ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ્સ અને ફિઝિશિયન્સ દ્વારા નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પને લેબોરેટરી અને આઈ-કેર ફેસિલિટીઝ દ્વારા સપોર્ટ આપવામાં આવ્યો હતો, જે લાભાર્થીઓને સર્વગ્રાહી આરોગ્ય સહાય પૂરી પાડે છે.
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વેટરન્સનાં બાળકોને પણ આ પ્રસંગે તેમની સિદ્ધિઓની કદર રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને સતત શ્રેષ્ઠતા દાખવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શું કહ્યું બાલ્ડ ઈગલ બ્રિગેડ કમાન્ડરે?
સભાને સંબોધતા કમાન્ડર, બાલ્ડ ઈગલ બ્રિગેડે વેટરન્સ, વિધવાઓ અને વીર નારીઓને ભાવુક અંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના સર્વોચ્ચ બલિદાન તથા સેવાઓને બિરદાવી હતી. તેમણે વેટરન્સ અને તેમના પરિવારોના કલ્યાણ અને ગૌરવ માટે ઇન્ડિયન આર્મીની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ કાર્યક્રમ વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન અને રાષ્ટ્રના વેટરન્સ તથા વીરગતિ પામનાર જવાનોની હિંમત નિઃસ્વાર્થ સેવાનું સન્માન કરવાના સામૂહિક પ્રતિબદ્ધતાના શક્તિશાળી સંદેશા સમાન રહી હતી.
કાર્યક્રમનો અંત અત્યંત ભાવુક દૃશ્યો સાથે થયો હતો, જેમાં વિધવા લાભાર્થીઓના એક ગ્રૂપે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા તેમના લાંબા સમયથી પડતર પેન્શન અને કલ્યાણને લગતા મુદ્દાના ઉકેલ માટે કરવામાં આવેલા પ્રયાસ બદલ કમાન્ડરનું સન્માન કર્યું હતું.


