નવી દિલ્હીઃ ભારતીય સેના હવે ભવિષ્યના પડકારો અનુસાર પોતાનું આધુનિકીકરણ કરી રહી છે. યુદ્ધના બદલાતા સ્વભાવને ધ્યાનમાં રાખીને, આર્મી ટ્રેનિંગ કમાન્ડ (આરટ્રેક) વર્ષ 2027 સુધીમાં ડ્રોન સહિત 33 નવી ટેકનોલોજીમાં સૈનિકોને તાલીમ આપશે. આ માહિતી આર્મી ટ્રેનિંગ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (જીઓસી-ઇન-સી), લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર શર્મા, પીવીએસએમ, એવીએસએમ, એસએમ દ્વારા ગુરુવારે શિમલામાં આયોજિત આરટ્રેક ઇન્વેસ્ટિચર સેરેમની 2025 દરમિયાન આપવામાં આવી હતી.
લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, આજે યુદ્ધો ફક્ત પરંપરાગત શસ્ત્રોથી જ લડવામાં આવતા નથી, પરંતુ ટેકનોલોજી તેની દિશા અને પરિણામ નક્કી કરી રહી છે. આરટ્રેક દ્વારા નવી ટેકનોલોજીમાં કુશળતાના કેન્દ્રો તરીકે 15 મુખ્ય તાલીમ સંસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. તાલીમ અને માળખાગત સુવિધાઓ માટે 390 કરોડ રૂપિયાની યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત 57 નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
વર્ષ 2024-25માં, આરટ્રેક એ 18,000 સૈનિકોને અદ્યતન ટેકનિકલ તાલીમ આપી છે. વર્ષ 2025-26માં આ સંખ્યા વધારીને 21,000 કરવાની યોજના છે. આ બધા પ્રયાસો ભારતીય સેનાને ‘ભવિષ્ય માટે તૈયાર સેના’ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મહિલાઓની ભાગીદારી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, અને જણાવવામાં આવ્યું હતું કે હાલમાં 18,00 થી વધુ મહિલાઓ સેનાના વિવિધ રેન્ક અને ક્ષેત્રોમાં ગર્વથી સેવા આપી રહી છે. સમારોહ દરમિયાન, ત્રણ શ્રેણી ‘એ’ સંસ્થાઓ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બે સંલગ્ન એકમોને ‘જીઓસી-ઇન-સી આર્મી ટ્રેનિંગ કમાન્ડ યુનિટ પ્રશસ્તિ પત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા.