નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ખુલ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના તમામ કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ એસીસીને શ્રીલંકામાં આવતા મહિને યોજાનાર મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં દ્વિવાર્ષિક પુરુષ એશિયા કપમાંથી ખસી જવાના નિર્ણયની જાણ કરી છે. ACC હાલમાં પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવીના નેતૃત્વમાં છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટને અલગ પાડવાના પ્રયાસનો એક ભાગ હતો.
અહેવાલ મુજબ, બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ભારતીય ટીમ એસીસી દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં રમી શકતી નથી, જેનું નેતૃત્વ પાકિસ્તાની મંત્રી કરે છે. આ દેશની ભાવના છે. અમે આગામી મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી અમારા ખસી જવા અંગે એસીસીને મૌખિક રીતે જાણ કરી દીધી છે, અને તેમની ઇવેન્ટ્સમાં અમારી ભાવિ ભાગીદારી પણ મુલતવી રાખવામાં આવી છે. અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.”
આ વર્ષે સપ્ટેમ્બરમાં મેન્સ એશિયા કપ યોજાવાનો છે, જેનું આયોજન ભારત કરશે. બીસીસીઆઈના આ વલણને કારણે આ ટુર્નામેન્ટના આયોજન પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ કરતી આ ટુર્નામેન્ટ હાલ પૂરતી મુલતવી રાખી શકાય છે.
સૂત્રોના હવાલાથી, અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે BCCI એ વાતથી વાકેફ છે કે ભારત વિના એશિયા કપનું આયોજન શક્ય નથી કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇવેન્ટ્સના મોટાભાગના પ્રાયોજકો ભારતના છે. વધુમાં, ભારત-પાકિસ્તાન મેચ વિના, બ્રોડકાસ્ટર્સને એશિયા કપમાં રસ નહીં હોય.
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) દ્વારા આગામી 8 વર્ષ માટે US$170 મિલિયનમાં એશિયા કપ 2024 ના અધિકારો હસ્તગત કરવામાં આવ્યા છે. જો ટુર્નામેન્ટની આ આવૃત્તિ ન થાય, તો ડીલમાં કેટલાક ફેરફારો પણ શક્ય છે.
2023 માં યોજાયેલ એશિયા કપની પાછલી આવૃત્તિ પણ ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિથી પ્રભાવિત થઈ હતી. ત્યારે યજમાન પાકિસ્તાન હતું પણ ભારતે ત્યાં જવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતીય ટીમ શ્રીલંકામાં તેની મેચ રમશે. પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી શક્યું નહીં, ભારતે કોલંબોમાં શ્રીલંકા સામે ટાઇટલ મેચ જીતી લીધી. આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આ જ પેટર્ન અપનાવવામાં આવી હતી. અહીં ટીમ ઈન્ડિયાએ દુબઈમાં પોતાની મેચ રમી હતી, આ વખતે યજમાન પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું.