
મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના ભારતીય પાસપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
મુંબઈઃ ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓના મુંબઈમાં ભારતીય પાસપોર્ટ બનાવવાના રેકેટનો મહારાષ્ટ્ર એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 85 ભારતીય પાસપોર્ટ બાંગ્લાદેશીઓને આપ્યાં હોવાની કબુલાત કરી છે. આરોપીઓની મદદથી અન્ય ઘુસણખોર બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ મેળવ્યાં હોવાનું એટીએસની ટીમ માની રહી છે. જે અંગે ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્તમ માહિતી અનુસાર તા. 29મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર એટીએસના ચીફ જયજીતસિંહને માહિતી મળી હતી કે, મુંબઈમાં રહેતો અકરમ ખાન નામનો બાંગ્લાદેશી અન્ય આરોપીઓ સાથે મળીને ઘુસણખોર બાંગ્લાદેશીઓને ભારતીય પાસપોર્ટ બનાવી આવે છે. જેથી પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તેનું ના અકરમ નૂરનબી શેખ (રહે, નોવ્હાખાલી, બાંગ્લાદેશ) હોવાનું ખૂલ્યું હતું. તેમજ કોઈ પણ દસ્તાવેજ વિના જ ભારતમાં આવ્યો હતો. તેની તપાસમાં મુંબ્રાના રફીક શેખની સંડોવણી સામે આવી હતી. રફીકે જ અકરમના બોગસ દસ્તાવેજોના આધારે આધારકાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ બનાવવામાં મદદ કરી હતી. જેથી એટીએસની ટીમે ગુનો નોંધીને તપાસ આરંભીને રફીકની ધરપકડ કરી હતી. રફીક વર્ષ 2013થી મુંબઈમાં બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પોસપોર્ટ બનાવવાનું કામ કરતો હતો. તેમજ છેલ્લા સાત વર્ષમાં 85 બાંગ્લાદેશી નાગરિકોના ભારતીય પાસપોર્ટ બનાવ્યાં હોવાનું કબુલ્યું હતું.
સમગ્ર રેકેટમાં ઈદરિશ શેખ, અબ્દુલ શેખ, સોહલ શેખ, અબ્દુલ શેખ, અવિન કેદારે અને નિતીન નિકમની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગ બોગસ દસ્તાવેજના આધારે ઘુસણખોર બાંગ્લાદેશીઓના પાસપોર્ટ બનાવવા માટે એજન્ટની કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. એટીએસે આરોપીઓ પાસેથી બોગસ દસ્તાવેજ પણ જપ્ત કર્યાં હતા.