સમુદ્રમાં ભારતની તાકાત વધી: અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ તારાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ
મુંબઈ, 3 એપ્રિલ 2026: ભારતીય નૌકાદળની તાકાતમાં શુક્રવારે વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત અત્યાધુનિક માર્ગદર્શિત-મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ ‘તારાગિરી’ને ઔપચારિક રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાના પ્રતીક સમાન આ યુદ્ધજહાજ દરિયામાં દુશ્મનોના દાંત ખાટા કરવા માટે સજ્જ છે.
આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “નૌકાદળની પરંપરામાં જહાજનું નામ એક ભવ્ય વારસો ધરાવે છે. અગાઉની INS તારાગિરીએ લાંબા સમય સુધી દેશની સેવા કરી હતી, અને આજે એ જ નામ અત્યાધુનિક ટેકનોલોજી સાથે નૌકાદળની તાકાત વધારવા પરત આવ્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતનો 95% વેપાર અને ઉર્જા સુરક્ષા સમુદ્ર પર આધારિત હોવાથી મજબૂત નૌકાદળ એ માત્ર વિકલ્પ નહીં પણ અનિવાર્ય જરૂરિયાત છે.
‘તારાગિરી’ તેની અંદર અદ્યતન શસ્ત્ર પ્રણાલી ધરાવે છે જે તેને ત્રણેય મોરચે અજેય બનાવે છે. સપાટી-વિરોધી પર બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ, લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી ‘બરાક-8’ મિસાઇલ અને ડિજિટલ રડાર, સ્વદેશી ટોર્પિડો ‘વરુણાસ્ત્ર’ અને રોકેટ લોન્ચર્સ અને 6,700 ટન વજન ધરાવતું આ જહાજ 30 નોટની ઝડપે દોડી શકે છે અને બે હેલિકોપ્ટર રાખી શકાય તેવું હેંગર પણ ધરાવે છે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા તેની સ્વદેશી બનાવટ છે. નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરાયું છે. તેમાં વપરાયેલું સ્ટીલ અને 75 ટકાથી વધુ સાધનો ભારતીય કંપનીઓના છે. પ્રોજેક્ટ 17A ના સાત જહાજોમાંથી ચાર માઝગોન ડોક (MDL) અને ત્રણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ 17A હેઠળના તમામ જહાજોના નામ ભારતીય પર્વતમાળાઓ પરથી રખાયા છે. આ શ્રેણીમાં INS નીલગિરી (જાન્યુઆરી 2025), INS હિમગિરી અને INS ઉદયગિરી બાદ હવે ‘તારાગિરી’નો સમાવેશ થયો છે. બાકીના ત્રણ જહાજો હાલ ટ્રાયલના તબક્કામાં છે. આ નવા ઉમેરા સાથે ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવશે અને 2047 સુધીમાં પૂર્ણ આત્મનિર્ભર બનવાના લક્ષ્ય તરફ આગળ વધશે.


