1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત
પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

0
Social Share

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ ગણાતું પાકિસ્તાન પોતાની હરકતો અને નીતિઓમાં સુધારો નહીં લાવે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી.

પી. હરીશે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “પાકિસ્તાને સંધિઓની પવિત્રતા જાળવવાની વાતો કરતા પહેલા માનવ જીવનની પવિત્રતાનું સન્માન કરતા શીખવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા નદીના ઉપરવાસમાં આવેલો એક જવાબદાર દેશ રહ્યો છે, પરંતુ જવાબદારી એ બંને તરફથી નિભાવવાની બાબત છે. પાકિસ્તાને પોતાની સરકારી નીતિના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું જ પડશે.

પી. હરીશનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને સિંધુ જળ સંધિ મામલે પોતાને પીડિત સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમનો મુખ્ય વિષય સતત વિકાસ લક્ષ્યાંક અંતર્ગત તમામ માટે સુરક્ષિત જળ અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો હતો. આ મુદ્દે ભારપૂર્વક વાત કરતા હરીશે કહ્યું, “ભારતે 1960માં સદભાવના અને મિત્રતાની ભાવના સાથે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ, પાકિસ્તાને આ ભાવનાનું ઉલ્લંઘન કરીને ભારત પર ત્રણ યુદ્ધો લાદ્યા અને હજારો આતંકી હુમલાઓ કર્યા. પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદના કારણે દસ હજારથી વધુ નિર્દોષ ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે.” અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલગામમાં ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ દ્વારા કરવામાં આવેલા ધર્મ આધારિત આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.

ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું કે, “અમારી સહનશીલતા અને ઉદારતાથી પાકિસ્તાનની હરકતો બદલાઈ નથી. આખરે અમારે એ જાહેરાત કરવી પડી કે જ્યાં સુધી પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદને પોતાનું સમર્થન વિશ્વસનીય અને અફર રીતે સમાપ્ત નહીં કરે, ત્યાં સુધી આ સંધિ સ્થગિત જ રહેશે.” આ ઉપરાંત, છેલ્લા 65 વર્ષોમાં ટેકનિકલ, જનસંખ્યા અને પર્યાવરણને લગતા થયેલા મૂળભૂત ફેરફારો અંગે ચર્ચા કરવાનો પાકિસ્તાને સતત ઇનકાર કર્યો છે અને સંધિમાં સુધારાની ભારતની તમામ કોશિશોને ફગાવી દીધી છે.

આ વર્ષે 22 માર્ચે રવિવારે આવતા ‘વિશ્વ જળ દિવસ’ અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારતે સુરક્ષિત જળ અને સ્વચ્છતાના લક્ષ્યને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. ‘જળ જીવન મિશન’ દ્વારા ભારત દુનિયાના સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક ચલાવી રહ્યું છે. 2019માં શરૂ થયેલા આ મિશન થકી અત્યાર સુધીમાં દેશના 81.76 ટકા ગ્રામીણ ઘરો (કુલ 1.58 કરોડ) સુધી નળ દ્વારા સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પ્રયાસની સફળતાનો પાયો સામુદાયિક ભાગીદારી છે.

ગામડાઓમાં જળ સમિતિઓ બનાવવામાં આવી છે, જેમાંથી મોટાભાગની સમિતિઓનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું કે, વિકાસશીલ દેશોની ક્ષમતા વધારવા, ટેકનિકલ નવીનતાને પ્રોત્સાહન આપવા અને વૈજ્ઞાનિક સહયોગ જેવા મુદ્દાઓ પર સામૂહિક પ્રયાસો વધુ અસરકારક સાબિત થશે.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ: છ દેશોએ સલામત માર્ગ સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરવા સંમતિ આપી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code