ગાંધીનગરમાંથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ અને ટેરર ફાયનાન્સિંગ નેટવર્કનો પર્દાફાશ: 9આરોપીઓ ઝડપાયા
ગાંધીનગર, 19 મે 2026: રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દે તેવા એક સૌથી મોટા ઓપરેશનની સફળતા સામે આવી છે. ગાંધીનગરમાં સક્રિય એવા એક ખૂબ જ મોટા ‘ઈન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક’ અને તેની સાથે સીધા જોડાયેલા ‘ટેરર ફાયનાન્સિંગ’ રેકેટનો પર્દાફાશ થયો છે. ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા એક અત્યંત ગુપ્ત અને હાઈટેક ઓપરેશન હાથ ધરીને આ આખા નેટવર્કનો સફાયો કરવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશન દરમિયાન મુખ્ય સૂત્રધારો સહિત 9 જેટલા હાઈટેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરક્ષા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ આંતરરાષ્ટ્રીય ગેંગ સામાન્ય રીતે કાયદાની નજરમાં ન આવી શકે તે માટે ઇન્ટરનેટના અત્યંત ગુપ્ત અને ભેદી ગણાતા ‘ડાર્ક વેબ’ અને ‘ક્રિપ્ટો કરન્સી’ના માધ્યમથી પોતાનો કાળો કારોબાર ચલાવતી હતી. પ્રાથમિક તપાસમાં એવો સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે, ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણમાંથી મળતી કરોડો રૂપિયાની કમાણી ડિજિટલ કરન્સી (ક્રિપ્ટો) મારફતે સરહદ પાર બેઠેલા આતંકી સંગઠનો સુધી પહોંચાડવામાં આવતી હતી. ટેકનોલોજીની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા આ શાતિર શખસોને પકડવા માટે સાયબર એક્સપર્ટ્સની ટીમે લાંબા સમય સુધી ઝીણવટભર્યું ડિજિટલ ટ્રેકિંગ કર્યું હતું.
આ પકડાયેલા આરોપીઓ અત્યંત આધુનિક અને એન્ક્રિપ્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોવાથી તેમને આંતરવા માટે ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા પણ તેટલી જ એડવાન્સ અને હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીએ આરોપીઓના ‘ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ’ ટ્રેસ કરીને તેમની ચોક્કસ કડીઓ મેળવી હતી. ત્યારબાદ અલગ-અલગ શંકાસ્પદ સ્થળો પર એકસાથે દરોડા પાડીને આ આખા આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ 9 કાવતરાખોરોને દબોચી લેવાયા હતા.
હાલમાં આ તમામ ઝડપાયેલા આરોપીઓની દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ અને સાયબર નિષ્ણાતો દ્વારા સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આ ઇન્ટરનેશનલ રેકેટના તાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે મધ્ય-પૂર્વના અન્ય કોઈ દેશો સાથે જોડાયેલા છે કે કેમ? તેમજ ભારતમાં અન્ય કયા-કયા સ્થાનીય પેડલર્સ કે વ્હાઇટ કોલર લોકો આ લિંકમાં સામેલ છે, તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા આ નેટવર્કમાંથી આગામી દિવસોમાં દેશની સુરક્ષાને લઈને અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.


