મોરબીમાં સિરામિક ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડી, 670 એકમોમાં કામગીરી શરૂ
ગાંધીનગર, 19 મે, 2026 – મોરબીમાં સિરામિક ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે દોઢ મહિના પહેલા માત્ર 83 એકમો ચાલુ હતાં તેની સંખ્યા વધી છે. હવે 670 એકમોમાં કામગીરી શરૂ થઈ છે તેમ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતનો મોરબી સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન સમયમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાત એનર્જી લિમિટેડ-GELની સફળ વ્યૂહરચના થકી માત્ર દોઢ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થતાં મોરબી સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ મળ્યો છે.
અગાઉ ગુજરાત ગેસ લિમિટેડના નામથી ઓળખાતી ગુજરાત એનર્જી લિમિટેડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મોરબીમાં પાઇપ્ડ નેચરલ ગેસ-PNGના અધિકૃત સપ્લાયર તરીકે પ્રવર્તમાન પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ અવિરત ગેસ પુરવઠો અને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરીને રાજ્યના સિરામિક ઉદ્યોગ પ્રત્યેની તેની મજબૂત પ્રતિબદ્ધતા સાકાર કરી છે. વર્ષોથી, GEL એ મોરબી સિરામિક ક્લસ્ટરની સંપૂર્ણ માંગને પહોંચી વળવા માટે એક વ્યાપક ગેસ વિતરણ નેટવર્ક વિકસાવ્યું છે. હાલમાં, આશરે 865 ઔદ્યોગિક એકમો GEL PNG પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા છે, તેમ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વડાપ્રધાનની નોર્વે મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદમાં શું થયું? જુઓ Video
ઊર્જા મંત્રીશ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, તાજેતરની ભૂ-રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ ભારત સરકારના નિર્દેશો અનુસાર અવિરત પુરવઠો જાળવવા માટે પશ્ચિમ એશિયા સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી હતી. આ કટોકટીના કારણે કાચા માલના ખર્ચમાં થતો વધારો, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર લગાવેલા નિયંત્રણો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારાને લીધે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચ 2026ના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ સ્થગિત કરી દીધી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, આ પરિસ્થિતિમાં GEL દ્વારા કામગીરી ફરી શરૂ કરવા માટે મોરબી સિરામિક એસોસિએશન સહિતના ઉદ્યોગો સાથે સંકળાયેલ તમામ હિસ્સેદારો સાથે વ્યાપકપણે વિચારણા કરવામાં આવી હતી. GEL દ્વારા તેની વૈવિધ્યસભર સોર્સિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ઔદ્યોગિક ગ્રાહકોને મે, 2026ના મહિના માટે ભાવની સુનિશ્ચિતતા સાથે અવિરત ગેસ પુરવઠાની ખાતરી આપવામાં આવી હતી. તે પ્રયાસોના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે, જેના પરિણામે મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચોઃ શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત
ગત તા. 31 માર્ચ, 2026ના રોજ મોરબી વિસ્તારમાં અંદાજિત 83 એકમો કાર્યરત હતા. જ્યારે તા. 17 મે, 2026 સુધીમાં 670થી વધુ એકમો કાર્યરત થયા છે. આનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર ક્લસ્ટરમાં ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો છે.


