
પાકિસ્તાનની જેમ તુર્કીમાં પણ મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત, સસ્તી બ્રેડ માટે લાંબી કતાર કરી
- પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી
- અહીંયા સસ્તી બ્રેડ લેવા માટે દુકાનોની બહાર લાગી લાંબી કતાર
- મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત
નવી દિલ્હી: પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ હવે તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. તુર્કી અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. સબસિડી પર સસ્તી બ્રેડ ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. દૂધ, દવાઓ તેમજ દૈનિક ઉપયોગની તમામ જરૂરી વસ્તુઓ મોંઘી મળી રહી છે. મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત છે.
તુર્કીમાં પ્રતિ વ્યક્તિ બ્રેડનો વપરાશ સરેરાશ 200-300 કિલો છે અને મુખ્ય ભોજનનો પણ ભાગ છે ત્યારે બ્રેડની સતત વધતી કિંમતોથી સામાન્ય જનતાની હાલત કફોડી થઇ છે. તુર્કીમાં સબસિડીવાળા 250 ગ્રામ સસ્તા બ્રેડની કિંમત 6.87 રૂપિયા છે. ખાનગી બેકરી પર 250 ગ્રામ 14 રૂપિયામાં મળે છે.
તુર્કીના નાણામંત્રીએ ચિંતા વ્યક્ત કરી કેન્દ્રીય બેન્ક 16 ડિસેમ્બરે ફરીથી વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જે બાદ તુર્કીની મુદ્રા લીરામાં ઐતિહાસિક ઘટાડો નોંધવામાં આવ્યો. લીરા એક જ દિવસમાં ડોલરની સરખામણીએ 7 ટકા કમજોર થઈ ગયો.
નોંધનીય છે કે, સરકારી આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં તુર્કીની વાર્ષિક મોંઘવારી દર 21.3 ટકા થઈ ગઈ છે. આમ સતત વધતી મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત છે.