
હવે માત્ર 80 સેકન્ડમાં મળશે કોરોનાનો રિપોર્ટ, ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઇઝ
- હવે માત્ર 80 સેકન્ડ્સમાં કોરોનાનો રિપોર્ટ મળશે
- ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ આ માટે ઇલેક્ટ્રોનિક નોઝ વિકસિત કર્યું
- ઇલેક્ટ્રોનિક નોઝમાં ખાસ પ્રકારના સેન્સર રહેલા હોય છે જે વાયરસની ઓળખ કરે છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવા માટે દેશના અનેક શહેરોમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી. તેમાં પણ RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ માટે 3 થી 4 દિવસ સુધી પ્રતિક્ષા કરવી પડતી હતી.
જો કે હવે આ દિવસો જલ્દી જ ભૂતકાળ બની જશે અને માત્ર કેટલીક સેકન્ડોમાં જ કોરોના રિપોર્ટ મળી જશે. હકીકતમાં, ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ નવી ટેકનિક વિકસાવી છે. જેમાં ‘ઇલેક્ટ્રોનિક નોઝ’ની મદદથી નાકમાં રહેલ રસાયણને આધારે દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ તે માત્ર 80 સેકન્ડમાં જ જાણી શકાશે.
આ ઇલેક્ટ્રોનિક નોઝમાં ખાસ પ્રકારના સેન્સર રહેલા હોય છે જે વાયરસની ઓળખ કરે છે. દર્દીએ આ નોઝને પોતાના નાક પાસે રાખીને સુંઘવાનું રહેશે અને માત્ર 80 સેકન્ડમાં જ કોરોના રિપોર્ટ મળી જશે. ઇઝરાયલના વૈજ્ઞાનિકો અનુસાર આ પદ્વતિની એક્યુરસી 95 ટકા જેટલી છે.
ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ વિકસિત કરેલ ઇલેક્ટ્રોનિક નોઝ 3ડી પ્રિન્ટેડ ઇલેક્ટ્રિક નોઝ છે. સામાન્યપણે વ્યક્તિએ નોઝને પોતાના નાક પાસે રાખી તેને સુંઘવાનું રહેશે. જે નાકમાં રહેલા રસાયણના સુગંધની તપાસ કર્યા બાદ ઇલેક્ટ્રોનિક નોઝ જણાવે છે કે તે વ્યક્તિ પોઝિટિવ છે કે નેગેટિવ.
દરેક બીમારીની એક ખાસ સુવાસ હોય છે. જે વ્યક્તિના શરીરના મેટાબોલિક પ્રોસેસને બદલી નાખે છે. જેથી ઇલેક્ટ્રિક નોઝમાં આ પદ્વતિનો ઉપયોગ થયો છે.
નોંધનીય છે કે, ઇઝરાયલના વૈજ્ઞાનિકોના દાવા અનુસાર આ પદ્વતિની એક્યુરસી 95 ટકા જેટલી છે. આ ડિવાઇઝને એવી રીતે વિકસિત કરાયું છે કે તે નાકમાં રહેલા વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની ઓળખ કરી શકે.