
IPL 2024: ક્રિકેટની પીચ પર હરિફોને હંફાવનારા આ 5 ક્રિકેટર IPLની તમામ સિઝન રમ્યાં !
નવી દિલ્હીઃ આગામી 22મી માર્ચથી સમગ્ર દેશમાં ક્રિકેટનો મહામુકાબલો આઈપીએલનો પ્રારંભ થશે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. અત્યાર સીધીમાં આઈપીએલની 16 સીઝન રમાઈ છે. આ 17મી સીઝન હશે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પ્રથમ સિઝનમાં રમનારા મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક ખેલાડીઓ છે જે ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-સિક્સરનો વરસાદ કરતા આવ્યાં છે આ સિઝનમાં પણ હરિફ ટીમને ધૂળ ચાટતી કરવા માટે નેટમાં પરસેવો પાડી રહ્યાં છે. આ સિનિયર ખેલાડીઓમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા નામ સામેલ છે. આ ખેલાડીઓએ તમામ 16 સીઝનમાં ઓછામાં ઓછી 1 મેચ રમી છે. હવે આ ક્રિકેટર્સ 17મી સીઝન માટે તૈયાર છે.
- મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન હતો. CSK તે સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાનું ચાલુ રાખ્યું. જોકે, તે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી 2 સિઝન માટે રમ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
- વિરાટ કોહલી
IPLની પ્રથમ સિઝનથી રમી રહેલા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલી IPL 2008થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. વિરાટ કોહલી અત્યાર સુધી IPLમાં 237 મેચ રમી ચૂક્યો છે. જેમાં 130.02ની સ્ટ્રાઈક રેટ અને 37.25ની એવરેજથી 7263 રન બનાવ્યા છે. જો કે, રોયલ ચેલેન્જર્સની ટીમ હજુ સુધી એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી.
- દિનેશ કાર્તિક
દિનેશ કાર્તિક IPL 2008માં કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો. ત્યારથી, તે સતત 16 સીઝન માટે વિવિધ ટીમો માટે રમ્યો છે. અત્યાર સુધી પંજાબ સિવાય દિનેશ કાર્તિક દિલ્હી, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે. દિનેશ કાર્તિકના નામે 242 IPL મેચોમાં 4516 રન છે.
- શિખર ધવન
શિખર ધવન IPL 2008માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ પછી તે દિલ્હી કેપિટલ્સનો ભાગ બન્યો. શિખર ધવન મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. હાલમાં તે પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. IPLની 217 મેચોમાં શિખર ધવને 127.16ની સ્ટ્રાઈક રેટ અને 35.19ની એવરેજથી 6616 રન બનાવ્યા છે.
- રોહિત શર્મા
રોહિત શર્માએ 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે સીઝનમાં તે ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદનો ભાગ હતો. આ પછી રોહિત શર્મા 2011માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો. અત્યાર સુધી રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ 5 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. રોહિત શર્માએ 243 IPL મેચોમાં 130.05ની સ્ટ્રાઈક રેટ અને 29.58ની એવરેજથી 6211 રન બનાવ્યા છે.