મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ આજે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મુકાબલો છે. પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે LSGને કોઈપણ કિંમતે આ મેચમાં મોટી જીતની જરૂર પડશે. LSG હાલમાં 11 મેચોમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેની નેટ રન રેટ -0.469 છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે, લખનઉએ ફક્ત બાકીની ત્રણેય મેચ જીતવી જ નહીં, પરંતુ પોતાની નેટ રન રેટ સુધારવા માટે મોટા માર્જિનથી જીત પણ મેળવવી પડશે. લખનઉ માટે સૌથી નબળી કડી ટીમના કેપ્ટન ઋષભ પંત છે. આ સિઝનમાં ઓછામાં ઓછા 100 બોલ રમનારા કોઈપણ ખેલાડીમાં ઋષભ પંતનો સ્ટ્રાઈક-રેટ સૌથી ઓછો (99.22) છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, કેપ્ટન કેટલા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેના કારણે તે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં ભાગ લઈ શકશે નહીં. SRHના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરીએ પુષ્ટિ કરી કે, હેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ટીમ સાથે મુસાફરી કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જેમાં RCB, GT અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. હવે ફક્ત એક સ્થાન માટે 3 ટીમો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી ફક્ત એક જ ટીમ પ્લેઓફની ટિકિટ મેળવી શકશે. બીજી તરફ, ગયા વર્ષની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને હવે આ મેચ તેમના માટે પોતાની પ્રતિષ્ઠા બચાવવાની તક હશે. ઉપરાંત, કેટલાક ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવાની આ છેલ્લી તક હશે કારણ કે SRHના બેટ્સમેન, જેમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે, તેમણે આ સિઝનમાં ઘણા નિરાશ કર્યા છે.
- કોણે કેટલી મેચ જીતી ?
IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે 5 મેચ રમાઈ છે. જેમાંથી એક મેચ હૈદરાબાદ અને બાકીની બધી મેચ લખનઉએ જીતી છે.
કુલ મેચ- 5
હૈદરાબાદની જીત- 1 મેચ
લખનઉની જીત – 4 મેચ