1. Home
  2. ગુજરાતી
  3. ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ
ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ

ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ

0
Social Share

તહેરાન, 22 એપ્રિલ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સ્થિતિ વધુ વણસી રહી છે. શાંતિ વાર્તાનો બીજો તબક્કો રદ થયા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરની ઘટનામાં ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે એક કન્ટેનર જહાજને નિશાન બનાવતા આંતરરાષ્ટ્રીય જળસીમામાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ, ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 દરિયાઈ માઈલ દૂર આ ઘટના બની હતી. કન્ટેનર જહાજના કેપ્ટને જણાવ્યું કે, ઈરાનની ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (આઈઆરજીસી) ની ગનબોટ જહાજની નજીક આવી હતી અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને ગંભીર નુકસાન થયું છે. જોકે, રાહતની વાત એ છે કે જહાજમાં આગ લાગી નથી કે પર્યાવરણને કોઈ નુકસાન થયું નથી. તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ઈરાનના આઈઆરજીસી એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૌસવીએ આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, જો યુદ્ધવિરામ બાદ અમેરિકા કે તેના સાથી દેશો ઈરાન વિરુદ્ધ કોઈ પણ પગલું ભરશે અથવા હદ પાર કરશે, તો આઈઆરજીસી ત્યાં હુમલો કરશે જ્યાં જનતા ઈચ્છશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયર (યુદ્ધવિરામ) વધારવાની જાહેરાતને ઈરાને એક ‘વ્યૂહાત્મક ચાલ’ ગણાવી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફના સલાહકારે નિવેદન આપ્યું છે કે, અમેરિકાનો આ પ્રસ્તાવ વાસ્તવમાં “સરપ્રાઈઝ એટેક” (અચાનક હુમલો) કરવાની તૈયારી છે. ઈરાને અમેરિકા દ્વારા કરવામાં આવેલી નાકાબંધી સામે લશ્કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, ઈરાન અમેરિકાના આ પગલાને ઉશ્કેરણી તરીકે જોઈ રહ્યું છે.

આ સતત ત્રીજી એવી ઘટના છે જેમાં કન્ટેનર જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોય. અગાઉના બે હુમલા અમેરિકા તરફથી થયા હોવાના દાવા વચ્ચે આ વખતે ઈરાનના વળતા પ્રહારથી દરિયાઈ વેપાર માર્ગ પર જોખમ વધી ગયું છે.

આ પણ વાંચોઃ હોર્મુઝને લઈને ઈરાન આક્રમક, કાનૂની રીતે કન્ટ્રોલ મેળવવા માટે કવાયત તેજ બનાવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code