હોમુર્ઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા જહાજ પાસેથી સર્વિસ ચાર્જ વસૂલાશેઃ ઈરાન
તેહરાન, 25 મે 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટો અને તણાવ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હોર્મુઝ સામુદ્રધુનીનું સંચાલન દરિયાકાંઠાના દેશોના અધિકારમાં આવે છે. અહીં ઈરાન કોઈ વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ નહીં વસૂલે, પરંતુ જે સુરક્ષા અને અન્ય સેવાઓ આપવામાં આવશે તેના માટે ચાર્જ વસૂલશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઈરાને એક વિશેષ ઓથોરિટી ઊભી કરીને આ જગ્યાએથી ટોલ ટેક્સ વસૂલવાની જાહેરાત કરી હતી, જેમાં હવે મોટો બદલાવ કરાયો છે.
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, “હોર્મુઝની સુરક્ષા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પરંતુ અમારે અમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓ પર પણ ગૌરવપૂર્વક વિચાર કરવો પડશે. ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ મુક્ત વ્યાપાર અને સુરક્ષિત પરિવહન માટે કરવા ઈચ્છે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય આક્રમણ કરવા માટે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં ઈરાનના નાયબ વિદેશ મંત્રીની ઓમાન મુલાકાત પણ આ જ માર્ગ પર સુરક્ષિત પરિવહન માટે એક નવું તંત્ર (સિસ્ટમ) સ્થાપિત કરવાના પરામર્શ માટે છે.
અમેરિકાની પ્રતિબદ્ધતાઓ પર કોઈ ‘ગેરંટી’ નથી
સંભવિત શાંતિ કરાર અંગે વાત કરતા પ્રવક્તા બાઘેઈએ સ્પષ્ટ કર્યું કે અમેરિકાની પ્રતિબદ્ધતાઓ પર કોઈ ‘ગેરંટી’ નથી અને ઈરાન કોઈ પણ પ્રકારની ધમકીની પરવા કરતું નથી. આ વાટાઘાટો અંગે તેમણે કહ્યું હતું કે, આ વખતના બદલાયેલા સમીકરણોમાં ખાસ વાત એ છે કે પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશો પણ આ વૈશ્વિક મધ્યસ્થતામાં સામેલ થયા છે. ચાલુ વાટાઘાટોમાં લેબનોન સંઘર્ષને કાયમ માટે સમાપ્ત કરવા સંબંધિત એક વિશેષ કલમ/જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. હાલમાં અમેરિકા-ઈરાન ડીલમાં પરમાણુ મુદ્દા પર કોઈ ચર્ચા થઈ રહી નથી, અત્યારે બંને દેશોનું મુખ્ય ફોકસ માત્ર ‘યુદ્ધ અને સંઘર્ષ ખતમ કરવા’ પર જ છે. ઈરાને આશંકા વ્યક્ત કરી છે કે ઈઝરાયેલ આ શાંતિ વાટાઘાટોને નબળી પાડવા અથવા તોડવાનો પ્રયાસ કરી શકે છે.
બીજી તરફ, આ મહાડીલને લઈને ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોમવારે નવી દિલ્હીથી સંકેત આપ્યા છે કે ઈરાન સાથેની વાતચીતને લઈને ટુંક સમયમાં જ કોઈ મોટી ખબર સામે આવી શકે છે. રુબિયોના જણાવ્યા અનુસાર, રવિવારે બંને દેશો વચ્ચે કોઈ અંતિમ કરાર થઈ શક્યો ન હતો, પરંતુ તેને બહુ મોટી નિષ્ફળતા ન માનવી જોઈએ. અમેરિકાએ ઈરાન સમક્ષ એક અત્યંત મજબૂત પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપાર માટે ખુલ્લો રાખવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયત સમયમર્યાદાની અંદર ગંભીર ચર્ચા શરૂ કરવાની શરતો સામેલ છે.


