બંગાળમાં સત્તા હસ્તાંતરણ પૂર્વે સચિવાલયમાં લોખંડી બંદોબસ્ત, સરકારી દસ્તાવેજોની સુરક્ષાનો આદેશ
કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ બની છે. આ દરમિયાન, વહીવટી તંત્રમાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુથી મુખ્ય સચિવ (ચીફ સેક્રેટરી) દ્વારા એક અત્યંત મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. મુખ્ય સચિવના આદેશ મુજબ, રાજ્ય સચિવાલય ‘નવાન્ન’ ભવન સહિત તમામ સરકારી કચેરીઓમાંથી કોઈપણ મહત્વની ફાઈલ કે દસ્તાવેજ ખસેડવા પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરવી કે તેને બહાર લઈ જવો ગેરકાનૂની ગણાશે. સત્તાના હસ્તાંતરણ સમયે જૂના ડેટા કે ફાઈલો ગાયબ ન થાય તે માટે આ સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે.
આ આદેશના અમલ માટે તુરંત જ રાજ્ય સચિવાલય અને અન્ય મહત્વપૂર્ણ વહીવટી કચેરીઓ બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. બંગાળ પોલીસની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી કરી દેવામાં આવી છે. તેમજ સરકારી કચેરીઓમાં આવતા-જતા કર્મચારીઓ અને તેમની પાસે રહેલી વસ્તુઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈ દસ્તાવેજ કે ફાઈલ ઓફિસની બહાર ન જાય તે માટે ચેકિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. બંગાળમાં લાંબા સમય બાદ થઈ રહેલા સત્તાપરિવર્તનને ધ્યાનમાં રાખીને વહીવટી સ્તરે લેવાયેલા આ કડક નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભાજપના શાસનકાળની શરૂઆત પહેલાં પારદર્શિતા જાળવી રાખવા માટે આ પગલું મહત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ બંગાળમાં સત્તા હસ્તાંતરણ પૂર્વે સચિવાલયમાં લોખંડી બંદોબસ્ત, સરકારી દસ્તાવેજોની સુરક્ષાનો આદેશ


