
ISRO: સૌર મિશન આદિત્ય એલ-1એ સૂર્યની સપાટી ઉપર ઉદભવેલુ વાવાઝોડુ કેમેરામાં કેદ થયું
નવી દિલ્હીઃ ISROના સૌર મિશન આદિત્ય L1 એ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આદિત્ય L1 પર લગાવેલા બે ઉપકરણોએ સૂર્યની સપાટી પરથી ઉભા થતા સૌર તોફાનની ઘટનાને કેમેરામાં કેદ કરી છે. આ સૌર તોફાનો પૃથ્વી પર પણ અસર કરે છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે સૂર્યની સપાટીથી ઉભા થતા આ સૌર તોફાનોનું કારણ શું છે.
આદિત્ય એલ1 પર લાગેલા ઉપકરણ ધ સોલર અલ્ટ્રા વોયલેટ ઈમેજિંગ ટેલીસ્કોપ અને અન્ય ઉપકરણ ધ વિજિબલ એમીશન લાઈન કોરોનાગ્રાફ (VELC) એ સૂર્યની સપાટી પરથી ઉભા થતા સૌર વાવાઝોડાને કેદ કર્યું છે. ઈસરોએ કહ્યું કે મે 2024માં આદિત્ય એલ1 પર લગાવેલા ઈન્સ્ટ્રુમેન્ટ્સે સૌર વાવાઝોડાને કેમેરામાં કેદ કરી લીધો હતો.
ઈસરોએ કહ્યું કે, સૂર્યની સપાટી પરથી વિશાળ તરંગો ઉઠે છે, તેને કોરોનલ માસ ઇજેક્શન (CME) અથવા સૌર તોફાન પણ કહેવામાં આવે છે. આ તરંગો નાના, મધ્યમ અને વિશાળ કદના હોય છે. એવું માનવામાં આવે છે કે આ સૌર તોફાનો સૂર્ય પર હાજર ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવે છે.
વિશાળ કદના તરંગોની પણ પૃથ્વી પર અસર થાય છે અને ક્યારેક તેના કારણે પૃથ્વી પરની સમગ્ર સંચાર વ્યવસ્થા, ઉપગ્રહો, એનર્જી ગ્રીડ વગેરે પ્રભાવિત થઈ શકે છે અને આ ચુંબકીય તરંગોની અસરને કારણે તે નાશ પામી શકે છે. આદિત્ય L1 દ્વારા કેદ કરાયેલુ સૌર વાવાઝોડું વિશાળ અને મધ્યમ કદનું હતું. આ ઘટના 8 અને 9 મેના રોજ નોંધવામાં આવી હતી અને પરિણામે, 11 મેના રોજ એક મોટું ચુંબકીય તોફાન નોંધાયું હતું. ઈસરોએ 17 મેના રોજ સૌર તોફાનની આ તસવીરો જાહેર કરી હતી.
ISRO એ સપ્ટેમ્બર 2023 માં તેનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું હતું. લગભગ 127 દિવસની મુસાફરી કર્યા પછી, આદિત્ય L1 અવકાશયાન આ વર્ષે જાન્યુઆરીમાં લેગ્રાંગિયન પોઈન્ટ પર પહોંચ્યું હતું. લેંગ્રેનિયન બિંદુ પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત છે. લેંગ્રેનિયન પોઈન્ટની ખાસ વાત એ છે કે આ જગ્યાએથી સૂર્ય પર સતત નજર રાખી શકાય છે.