ભારત-જાપાન વચ્ચે આરોગ્ય અને ક્વોન્ટમ ટેકનોલોજી ક્ષેત્રે કરાર
નવી દિલ્હી, 6 મે 2025: ભારત અને જાપાને સ્વાસ્થ્ય સંશોધન અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાથી વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર (ઇનોવેશન) ક્ષેત્રે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. જાપાન એજન્સી ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ વચ્ચે તબીબી ઉપકરણો અને સંશોધન માટે સમજૂતી કરવામાં આવી છે.ક્વોન્ટમ વિજ્ઞાનમાં સહયોગ માટે બંને દેશોએ ‘આશય પત્ર’ પર હસ્તાક્ષર કર્યા છે, જે આગામી પેઢીની ટેકનોલોજીમાં સંયુક્ત વિકાસના દ્વાર ખોલશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને જાપાનના મંત્રી કિમી ઓનોડા વચ્ચે યોજાયેલી બેઠકમાં આ કરારોનું આદાનપ્રદાન થયું હતું.ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જાપાનની અદ્યતન તકનીકી ક્ષમતા અને ભારતનું કુશળ માનવ સંસાધન એકબીજાના પૂરક છે. આ સહયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૨૦૨૫ની જાપાન મુલાકાત દરમિયાન નક્કી થયેલા લક્ષ્યાંકોનો જ એક ભાગ છે. જાપાનના મંત્રીએ પણ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગ અને આર્થિક પ્રગતિની પ્રશંસા કરી હતી.


