
PM મોદીના હસ્તક્ષેપથી જ ફરી ભારત આવવાનું શક્ય બન્યું, કતરથી પરત ફરેલા જવાનોએ વ્યક્ત કરી ખુશી
નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા સાત ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું. મોડી રાત્રે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો જ પરત ફર્યા છે. ભારત સરકારે કતારના નિર્ણયને આવકાર્યો છે.
કતરે જાસૂસીના આરોપમાં આઠ પૂર્વ નૌસેના અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી.
કતારથી પરત ફરી રહેલા નાગરિકોએ એરપોર્ટ પર પહોંચતા જ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે ભારત પાછા આવવા માટે 18 મહિના સુધી રાહ જોઈ છે. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. પીએમ મોદીના સમર્થન વિના આ અશક્ય હતું. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભારત સરકારના પ્રયત્નો વિના આ દિવસ શક્ય ન હોત.
આઠ ભૂતપૂર્વ મરીન જવાનો દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસમાં કામ કરતા હતા. ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આરોપો ક્યારેય જાહેર કરવામાં આવ્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે, તમામ પર સબમરીન પ્રોજેક્ટની જાસૂસી કરવાનો આરોપ હતો. અલ દહરાહ ગ્લોબલ કંપની કતારના લશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ ઓક્ટોબરમાં કતારની નીચલી અદાલતે ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજા ફટકારી હતી.