
જમ્મુ-કાશ્મીર:અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, એક આતંકી ઢેર
- આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- એન્કાઉન્ટરમાં એક આતંકી ઢેર
- અવંતીપોરાના પંપોર વિસ્તારની ઘટના
શ્રીનગર : જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની નજર હંમેશા રહેતી હોય છે, આતંકીઓ દ્વારા અહીં નાપાક ઇરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે.ત્યાં ફરી એકવાર જમ્મુ -કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારના ખ્રુવમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકી વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. જોકે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી શકી નથી.આ પહેલા ગુરુવારે શ્રીનગરના સરાફ કદલ વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં બે પોલીસ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ જૂના શહેરના સરાફ કદલ ખાતે રાત્રે 9.20 વાગ્યે સુરક્ષા દળોના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુરુવારે જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લાના થાનામંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં જ્યાં એક આતંકવાદી માર્યો ગયો હતો, ત્યાં ભારતીય સેનાનો એક જેસીઓ પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ થાનામંડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.