નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને તેમના ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા.
વેલીના કુલ 87 પર્યટન સ્થળોમાંથી 48 બંધ કરી દેવામાં આવ્યા
વેલીમાં કુલ 87 પર્યટન સ્થળો છે, જેમાંથી 48 હવે બંધ છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. શ્રીનગર એરપોર્ટ પર આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, જે સ્થળો બંધ કરવામાં આવ્યા છે તેમાં યુસમર્ગ, તૌશામેદાન, દૂધપથરી, અહરબલ, કૌસરનાગ, બંગસ, કરીવાન ડાઇવર ચંડીગામ, બંગુસ વેલી, વુલર/વાટલબ, રામપોરા અને રાજપોરા, ચેરહર, મુંડીઝ-હમામ-મરકુટ વોટરફોલ, ખામ્પૂ, બોસ્ત્રિયા,વિજીટોપ, સૂર્યમંદિર, વેરીનાગ ગાર્ડન, સિથંન ટોપ, મોર્ગનટોપ, અકાડ પાર્ક, હબ્બા ખાતુન પોઈન્ટ, બાબારેશી, રિંગાવલી, ગોગલદરા, બદેરકોટ, શ્રુંજ વોટરફોલ, કોમનપોસ્ટ, નામબ્લાન વોટરફોલ, ઈકો પાર્ક ખડનિયાર, સંગરવાની, જામિયા મસ્જિદ, બાદામવારી, રાજૌરી કદલ, પદશાપાલ રિસોર્ટ, ફકીર ગુજરી, દારા, અસ્તાનમાર્ગ વ્યુ પોઈન્ટ, અસ્તાનમાર્ગ પેરાગ્લાઈડિંગ, મમનેથ અને મહાદેવ હિલ્સ, બૌદ્ધ મઠ, ડાચીગામ – ટ્રાઉટ ફાર્મ/ફિશિંગ ફાર્મ, અસ્તાનપોરા, ખાસ કરીને કાયમ ગાહ રિસોર્ટ, લછપટરી, હંગ પાર્ક અને નારાનાગનો સમાવેશ થાય છે.
અન્ય સ્થળોએ પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવ્યું
અન્ય સ્થળોએ પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું હતું કે, આમાંથી કેટલીક સાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. પહેલગામમાં પ્રવાસીઓની હત્યાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે, જેમાં તમામ ધર્મો અને પ્રદેશોના લોકોએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી ભયાનક હત્યાઓની સ્પષ્ટપણે નિંદા કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આતંકવાદીઓ, તેમના સમર્થકો અને હેન્ડલરોને પકડી લેવામાં આવશે અને એવી સજા આપવામાં આવશે જેની તેઓ કલ્પના પણ ન કરી હોય. સુરક્ષા દળોએ આદિલ હુસૈન થોકર અને આસિફ શેખ સહિત સક્રિય આતંકવાદીઓના 10 ઘરો તોડી પાડ્યા છે, જેઓ પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. ઠરાવમાં આ હુમલાને એક જઘન્ય, બર્બર, અમાનવીય અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, આવી આતંકવાદી ઘટનાઓ કાશ્મીરીયતના મૂલ્યો, બંધારણના મૂલ્યો અને એકતા, શાંતિ-સૌહાર્દની ભાવના પર સીધો હુમલો છે. વિધાનસભાએ તાજેતરના આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે એકતા વ્યક્ત કરી અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.