જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો
દિલ્હી : પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં તેની નાપાક હરકતો કરવામાંથી બાજ નથી આવતું, જ્યારે સુરક્ષા દળો સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને મારી રહ્યા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના કરહામા કુંજર ગામમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોને ગામમાં બે આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા ત્યારબાદ તેઓએ આખા ગામને ઘેરી લીધું હતું.
એન્કાઉન્ટર અંગે બારામુલ્લાના એસએસપી અમોદ અશોક નાગપુરેએ કહ્યું, ‘કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની જાણ થઈ હતી. ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અમારી તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબી ગોળીબારમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો છે. G20 સમિટને ધ્યાનમાં રાખીને, અમારા સુરક્ષા દળો સતર્ક છે અને અમે જોખમને બેઅસર કરી રહ્યા છીએ. G20 સમિટ એક સફળ ઘટના બની રહેશે.
જ્યારે સુરક્ષા દળો ઘરમાં છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચ્યા તો તેઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્યો અને એક આતંકીને ઠાર કર્યો છે.બારામુલ્લામાં છેલ્લા 48 કલાકમાં આતંકીઓ સાથે આ બીજી અથડામણ છે. ગુરુવારે કરીરી વિસ્તારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના કંડી જંગલમાં આજે વહેલી સવારથી આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. જ્યારે સુરક્ષા દળો રાત્રે લગભગ 1.30 વાગ્યે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
આ પહેલા શુક્રવારે જ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. ઘાયલ જવાન હજુ પણ સારવાર હેઠળ છે. સુરક્ષાની દૃષ્ટિએ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શહીદ થયેલા પાંચ સૈનિકોમાં બે હિમાચલ પ્રદેશના, એક-એક ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળના હતા.