જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો: કેન્દ્રીય મંત્રી મેઘવાલ
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર હકારાત્મક સંકેત મળ્યા છે. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી હતી કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં જ તેનો રાજ્યનો દરજ્જો પાછો મળશે. જોકે, આ કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટકોર કરતા કહ્યું હતું કે, અમને આશા છે કે આ ‘ટૂંક સમય’ હવે બહુ લાંબો નહીં ખેંચાય.
કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વચન આપ્યું છે કે જમ્મુ-કાશ્મીરને તેના અધિકારો પાછા મળશે. આ માટેની એક નિર્ધારિત પ્રક્રિયા હોય છે અને મને વિશ્વાસ છે કે ખૂબ જ જલ્દી તમે આ અંગે કોઈ મોટો અને સકારાત્મક નિર્ણય સાંભળશો.”
કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, “જ્યાં સુધી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરની જનતા સંતુષ્ટ થશે નહીં. અમને આશા હતી કે આજે કોઈ સારા સમાચાર મળશે, જે મળ્યા નથી. પરંતુ અમે આશા છોડી નથી. કેન્દ્ર સાથે સતત વાતચીત ચાલુ છે. દોઢ વર્ષથી અમે ‘સારા સમાચાર’ની રાહ જોઈ રહ્યા છીએ, બસ હવે આ રાહ વધુ લાંબી ન હોવી જોઈએ.”
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી અને રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કરી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં વિભાજિત કર્યું હતું. 13 ફેબ્રુઆરી, 2021 ના રોજ લોકસભામાં અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કામચલાઉ છે અને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો અપાશે. 2023 માં સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને વહેલી તકે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રએ કોર્ટમાં પણ ખાતરી આપી હતી કે વિધાનસભાની ચૂંટણી બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર કાર્યરત છે, ત્યારે રાજ્યના દરજ્જાની માંગ ફરી તેજ બની છે. મેઘવાલના આ નિવેદન બાદ હવે સૌની નજર કેન્દ્ર સરકારના આગામી પગલા પર છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું


