Site icon Revoi.in

જામનગરનો રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો, વાગડિયા ડેમ પણ છલકાયો

Social Share

જામનગરઃ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ધોધમાર વરસાદને કારણે જિલ્લાના ડેમો છલોછલ ભરાય રહ્યા છે. જેમાં જામનગર શહેરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જ્યારે રંગમતી ડેમ પણ 80 ટકા ભરાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોડીયા, કાલાવડ અને જામજોધપુર જેવા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં બે ડેમ છલકાયા છે. જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવનાને ધ્યાને રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બે ડેમ છલકાયા છે. જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ભરાઈને છલકાઈ ગયો છે, જેનાથી આજુબાજુના વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. વાગડીયા ડેમ પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે, જ્યારે રંગમતી ડેમ 80 ટકા સુધી ભરાયો છે. આ ડેમોની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રે આજુબાજુના ગામોને સાવચેત રહેવા સૂચના આપી છે.

જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવનાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્રે એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને આવશ્યક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય આપદા નિવારણ દળ (NDRF) અને રાજ્ય આપદા નિવારણ દળ (SDRF)ની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી શકાય. ભારે વરસાદના કારણે ખેડૂતોને પાકના નુકસાનનો ભય સતાવી રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓ પૂરની સ્થિતિને લઈને ચિંતિત છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો, અને બપોરે બે વાગ્યાથી જિલ્લાભરમાં હવામાનમાં પલટો આવ્યો હતો, અને સાર્વત્રિક 1 ઇંચથી 7 ઇંચ જેવી ધીંગી મેઘ સવારી જોવા મળી છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.