Site icon Revoi.in

કર્ણાટકઃ 12.51 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ખાનગી બેંકના મેનેજર સહિત ચારની ધરપકડ

Social Share

બેંગ્લોરઃ એક ખાનગી બેંકના મેનેજર સહિત ચાર લોકોની કથિત રીતે બેંગલુરુ સ્થિત કંપનીમાંથી સંવેદનશીલ ડેટાની ચોરી કરવા અને તેમના ખાતામાંથી 12.51 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ડ્રીમ પ્લગ પે ટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (CRED) ના ડિરેક્ટરે નવેમ્બરમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં કંપનીના ખાતામાંથી રૂ. 12.51 કરોડની ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, CRED ડિરેક્ટરે આરોપ લગાવ્યો હતો કે કંપનીના નોડલ અને કરન્ટ બેંક એકાઉન્ટ્સ બેંગલુરુમાં એક્સિસ બેંકની ઈન્દિરાનગર શાખામાં છે. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ બેંક સામે કાવતરું ઘડ્યું અને સાયબર હુમલાનું આયોજન કર્યું. આ એકાઉન્ટ્સ સાથે સંકળાયેલા ઈમેલ આઈડી અને ફોન નંબરની ઍક્સેસ મેળવી લેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનના 17 અલગ-અલગ બેંક ખાતાઓમાં 12.51 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કંપનીના ડેટાની ચોરી કરી હતી. આ માટે તેમણે નકલી CIB (કોર્પોરેટ ઈન્ટરનેટ બેન્કિંગ) ફોર્મનો આશરો લીધો હતો. તેમણે નકલી સહીઓ અને સીલ બનાવ્યા હતા.

બેંગલુરુના પોલીસ કમિશનર બી દયાનંદે જણાવ્યું હતું કે ખાનગી કંપનીના એક્સિસ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા ફોન નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને આરોપીઓએ નકલી CIB ફોર્મ અને નકલી સીલ બનાવ્યા, જેનાથી વિવિધ ખાતાઓમાં 12.51 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા. બેંગલુરુની ભૂતપૂર્વ CEN પોલીસે આ કેસની તપાસ કરી અને ગુજરાતમાં એક્સિસ બેંકના મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કરી.

તેમણે કહ્યું કે 17 ખાતાઓમાં ટ્રાન્સફર કરાયેલા રૂ. 55 લાખને ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આરોપીઓ પાસેથી રૂ. 1,28,48,500 અને બે મોબાઇલ ફોન મળી આવ્યા છે. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ પણ સંડોવાયેલા છે. પોલીસ તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે.